ગુજરાત દેશ અને દુનિયા

35 વખત સરકારી ભરતી ની પરીક્ષા મા થયા નાપાસ અને આખરે બન્યા Ips ( વિજય વર્ધન)

શેર કરો

તમે ધ્યેયને હાંસલ કરવા કેટલા પ્રયત્ન કરી શકો…? કેટલી ધીરજ રાખી શકો..? શું તમે પાંત્રીસ વખત નિષ્ફળ ગયા છો..? નહિ ને…! તો આજે હું તમને પાંત્રીસ પરીક્ષાઓમાં નિષ્ફળ જનાર અને છતાં હિંમત હાર્યા વગર પ્રયત્ન કરી અંતે સફળતા મેળવીને જ ઝંપનાર એક યુવાનની વાસ્તવિક વાત કરવાનો છે.મિત્રો, સફળતા પ્રાપ્ત કર્યા પહેલા બધા અસફળ કે નિષ્ફળ જ હોય છે. પણ હારને હતાશામાં પાલટાવ્યાં વગર સતત મહેનત કરનારને એક દિવસ ચોક્કસ સફળતાનો સ્વાદ ચાખવા મળે જ છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે IPS વિજય વર્ધન.હરિયાણાના સિરસાનો રહેવાસી વિજય પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરો કરી ઉચ્ચ અભ્યાસ માટે હિસાર ચાલ્યો ગયો. અહીં તેણે 2013માં ઇલેક્ટ્રોનિકસમાં એન્જીનીયરીંગ પૂરું કર્યું. ત્યારબાદ UPSCની પરીક્ષા માટે તૈયારી કરવાનું વિચાર્યું. એના માટે તેણે દિલ્હી જવાનું નક્કી કર્યું ને ત્યાં જઈ કોચિંગ કલાસ જોઈન કર્યા.UPSCની તૈયારી કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ બીજો વિકલ્પ પણ વિચારતા જ હોય છે. કારણ કે upscની પરીક્ષા ખૂબ અઘરી હોઈ બીજી કોઈ નાની નોકરી મળતી હોય તો તેના માટે પણ પ્રયત્ન કરતા જ હોય છે.અને એટલે જ વિજયે પણ બીજી નોકરીઓ માટે પ્રયત્ન કરેલા. જેમાં ગ્રેડ A અને B ની પરીક્ષા, ઉત્તરપ્રદેશ PCS, હરિયાણા PCS, પંજાબ PCS, SSC CGL, LIC, નાબાર્ડ, ઈસરો, હરિયાણા એક્સાઇઝ ઇન્સપેક્ટર, RRB NTPC, RBI ગ્રેડ B… વગેરે જેવી ત્રીસેક પરીક્ષાઓ આપી. પરંતુ એકપણ પરીક્ષામાં સફળતા ન મળી. મોટાભાગની પ્રારંભિક પરીક્ષામાં પાસ થઈ જવાતું, પરંતુ મેઇન્સ કે મૌખિક ઇન્ટરવ્યૂમાં સફળતા ન મળતી. ક્યારેક મેડીકલમાં નીકળી જવાયું તો ક્યારેક ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નિષ્ફળતા મળી.આમ, એક યા બીજા કારણોસર વિજયને સતત નિષ્ફળતા જ મળતી હતી. છતાં તે હિંમત હાર્યા વગર એક પછી એક પ્રયત્નો કર્યે જ જતો હતો.2014માં વિજયે UPSCની પરીક્ષા આપવાનું શરૂ કર્યું. 2014 અને 2015માં તે પ્રિલીમ માંડ પાસ થઈ શક્યો. મેઇન્સમાં નિષ્ફળ ગયો. 2016માં તેણે પોતાની તૈયારીની પધ્ધતિ બદલી. ખૂબ મહેનત કરીને વિજયે પ્રિલીમ અને મેઇન્સ પણ પાસ કરી પરંતુ ઇન્ટરવ્યૂમાં 6 માર્ક માટે રહી ગયો.ભરપૂર તૈયારી કરી વિજયે 2017માં UPSC ની પરીક્ષા આપી પણ ફરી નિષ્ફળતા મળી. હવે તો તેના મિત્રો અને સંબંધીઓ પણ કહેવા લાગ્યા કે હવે તું માંડી વાળ. પરંતુ હિંમત હારે તે બીજા. વિજયે નક્કી જ કર્યું હતું કે તે વિજયી બનીને જ ઝંપશે. વારંવારની નિષ્ફળતા પણ વિજયને તેના ધૈર્ય અને સફળ થવાના દ્રઢ નિશ્ચયથી ડગમગાવી ન શકી.અને અંતે વિજયનો વિજય થયો. 2018ની UPSC ની પરીક્ષા તેણે સમગ્ર ભારતમાં 104 રેન્કથી પાસ કરી અને પોતાનું IPS ઓફિસર બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું.વાત ફક્ત આટલી જ સમજવાની છે કે જો ઈરાદો પાક્કો હોય અને હોંસલા બુલંદ હોય તો વારંવાર ની નિષ્ફળ પણ તમને ધ્યેયથી વિચલિત કરી શકતી નથી.ફરી એ જ વાત…કોશિશ કરને વાલોકી કભી હાર નહિ હોતી.

ડૉસુનીલ જાદવ


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *