ગુજરાત દેશ અને દુનિયા

16 ફ્રેક્ચર, 8 ઓપરેશન, પરિવારની અવહેલના છતાં ઉમ્મુલ ખેર બની IAS..

શેર કરો

મિત્રો, આપણી જિંદગીમાં નાનકડી મુસીબત આવે તો પણ આપણે ચલિત કે વિચલિત થઈ જઈએ છીએ, નાસીપાસ અને નિરુત્સાહ થઈ જઈએ છીએ. પણ ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ આત્મબળે તમે તમારી જાતને ટોચ ઉપર સ્થાપિત કરી શકો છો અને આવું કરી કરી દેખાડ્યું છે ઉમ્મુલ ખેરે.


રાજસ્થાનના પાલી મારવાડમાં ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલી ઉમ્મુલ પાંચ વર્ષની હતી ત્યારે જ માતા અને ત્રણ ભાઈ-બહેનને છોડી તેના પિતા દિલ્હી ચાલ્યા ગયેલા. પિતાના જવાથી માતાને સિજોફ્રીનિયા(માનસિક બીમારી)ના દૌર પડવા લાગ્યા. માતા પ્રાઇવેટ કામ કરતી પણ બીમારીના કારણે તે કામ પણ છૂટી ગયું. દિલ્હીમાં ફેરી લગાવી થોડું કમાનાર પિતા પરિવારને પોતાની સાથે દિલ્હી લઈ ગયા. ત્યાં હજરત નિજમુદીન વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આ પરિવાર રહેવા લાગ્યો. પિતાની આવકમાં ઘરનું પૂરું ન થવાથી સાતમા ધોરણમાં ભણતી ઉમ્મુલ ટ્યુશન કરી 100-200 રૂપિયા કમાઈ લેતી. આ દિવસોમાં જ ઉમ્મુલે IAS બનવાનું નક્કી કર્યું.


2001ની સાલમાં આ ઝૂંપડપટ્ટી ઉડાવી દેવામાં આવી. જેથી ઉમ્મુલ તેના પરિવાર સાથે રસ્તા ઉપર આવી ગઈ. ત્યારબાદ ત્રિલોકપુરના સેમિસ્લમ એરીયામાં આવીને તેઓ રહેવા લાગ્યા. ત્યાં જ પિતાએ બીજા લગ્ન કર્યા અને ઘરમાં સાવકી મા આવીને રહેવા લાગી. ભણવા માટેના સંજોગો જ નહોતા. ઓસ્ટીયો જેનેસીસ નામની બીમારીને લીધે અનેકવાર ઉમ્મુલના હાડકા ભાંગી જતા.
પિતાએ ઉમ્મુલને શારીરિક દુર્બળ બાળકોની શાળા અમર જ્યોતિ કડકડડુમામાં એડમિશન અપાવી દીધું. આ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન સ્કૂલ શિક્ષક મોહિની માથુરમેડમને કોઈ દાતા મળી ગયા. તેના દાનથી ઉમ્મુલનું એડમિશન 2004માં ધોરણ-9માં અર્વાચીન ભવન સિનિયર સ્કૂલમાં થઈ ગયું. ધોરણ-10માં તેને 91% આવ્યા.
દરમિયાન ઘરની સ્થિતિ અભ્યાસ માટે અનુકૂળ ન હોઈ ઉમ્મુલ ત્રિલોકપુરમાં જ અલગ રૂમ ભાડે રાખી રહેવા લાગી. ટ્યુશન કરી તે પોતાનો ખર્ચ જાતે કાઢતી. ધોરણ-12માં પણ 90 ટકા જેવું ઉજ્જવળ પરિણામ આવ્યું.


હવે કોલેજમાં જવાનું હતું. મનમાં હાડકા તૂટવાનો ડર હતો છતાં DTC બસોમાં ધક્કા ખાઈને દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું અને 2010માં મનોવિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએટ થઈ. બી.એ.ના અભ્યાસ દરમિયાન જ સાઉથ કોરિયામાં યોજાયેલા ડિસેબલ લોકોના કાર્યક્રમમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉપસ્થિત રહી.
ત્યારબાદ તે JNUમાં ગઈ. 2012માં અમેરિકાના તત્કાલીન સેક્રેટરી જનરલ બંકી મુનને મળી. 2012માં જ તેનું ભયંકર એક્સિડન્ટ થયું. 16 જેટલા ફ્રેક્ચર માટે આઠ ઓપરેશન થયા. જેથી તેને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડયું. વ્હીલચેર પર આવી ગઈ છતાં તેણે હાર ન માની. શારીરિક અક્ષમતા છતાં મનોબળ ટકાવી રાખ્યું.
2013માં પોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં તેણે એમ.એ. પૂરું કર્યું. એમ.એ.ના અભ્યાસ દરમિયાન જ તેને મેરીટ-કમ-મિન્સ યોજના અંતર્ગત મહિને 2000 રૂપિયા સ્કોલરશિપ મળવા લાગી. હોસ્ટેસમાં પણ તેની રહેવા માટેની વ્યવસ્થા થઈ ગઈ.


2013માં જ તેને ભારતીય મહિલા આયોગ દ્વારા રોલ મોડલ સન્માન પ્રાપ્ત થયું. 2014થી તે ડસ્કીન લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામનો હિસ્સો છે. આ કાર્યક્રમનો હિસ્સો બનનારી તે ત્રીજી ભારતીય મહિલા છે. ઉપરાંત દિવ્યાંગો અને શારીરિક દુર્બળતાઓ સામે લડી-ઝઝુમી રહેલા લોકો માટે તે ભારતનું જાપાનમાં પ્રતિનિધિત્વ કરી ચુકી છે.
2016માં જ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં તેણે એમ.ફિલ. કર્યું. ત્યારેબાદ net JRFની 25000 માસિક સ્કોલરશિપ મંજુર થતા તેણે પીએચ.ડી.નો અભ્યાસ આરંભ્યો અને સાથે સાથે UPSCની તૈયારી પણ શરૂ કરી.
2016માં જ તેણે UPSCની પરીક્ષા આપી અને પ્રથમ ટ્રાયમાં જ 420 રેંક સાથે પાસ કરી તે IAS બની ગઈ.
આમ, ગરીબીમાં જન્મેલી, હાડકાની બીમાર, એક્સિડન્ટ, ફ્રેકચર અને ઓપરેશન સહન કરનારી શારીરિક અક્ષમ છતાં હિંમત ન હારનારી ઉમ્મુલ શારીરિક અને માનસિક વિકલાંગ લોકો માટે તો આદર્શ છે જ પરંતુ શારીરિક સક્ષમ લોકો માટે પણ રોલ મૉડલ બની રહી છે વાત આટલી જ સમજવાની છે.


મક્કમ મનના માણસને શિખર પર પહોંચવા માટે શારીરિક તકલીફો,9 મર્યાદાઓ કે જ્ઞાતિ-ધર્મ પણ નથી નડતા. મક્કમ મનોબળથી તે ધાર્યું પરિણામ મેળવી શકે છે.

  • ડો. સુનિલ જાદવ

શેર કરો

One Reply to “16 ફ્રેક્ચર, 8 ઓપરેશન, પરિવારની અવહેલના છતાં ઉમ્મુલ ખેર બની IAS..

Comments are closed.