દેશ અને દુનિયા

જાણો કેવી રીતે સામાન્ય રીક્ષા વાળા નો દીકરો કેવી રીતે બન્યો IAS

શેર કરો

તારી હિંમત કેવી રીતે થઈ અમારા છોકરાઓ સાથે રમવાની ??
તને ખબર નથી કે તું શું છો અને ક્યાંથી આવે છે?


ભણી-ગણીને તું શું કરવાનો હતો? વધુનેવધુ તો પિતાને તેના કામમાં મદદ કરી થોડા પૈસા કમાઈ આપીશ, બીજું તો શું કરી શકીશ?
અંતે તો તારે પિતાની જેમ હાથરીક્ષા જ ચલાવવાની છે ને.!!આ અને આવા બીજા અનેક પ્રશ્નોના મારા રૂપી મેણાંટોણાં સાંભળીને ગોવિંદ મોટો થયો. તેને સતત પ્રશ્ન થયા કરતો કે તે એવું તે શું કરે કે જેથી લોકોના મેણાંટોણાં સાંભળવા ન પડે અને લોકો તેને માન-સન્માનની નજરે જોતા થાય.!અને ગોવિંદે પોતાની ઈજ્જતની રક્ષા કરવા તથા સ્વાભિમાન પ્રાપ્ત કરવા માટે શિક્ષણ પસંદ કર્યું. કારણ કે તે જાણતો હતો કે શિક્ષણ પ્રાપ્ત કર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
બનારસની સાંકડી લગીઓમાં એક 8×12 ની ભાડાની રૂમમાં ગોવિંદ પોતાના પરિવાર સાથે રહતો. આ ઓરડીમાં જ આખા પરિવારનું નહાવા-ધોવા અને ખાવા-પીવાનું ચાલતું.


આખો દિવસ કારખાનાના જનરેટરનો કાન ફાડી નાખે તેવો અવાજ સતત આવ્યા કરે. ઘરના સભ્યો પણ એકબીજાનું કહેલું સાંભળી ન શકે એવા કોલાહલમાં ભણવાની તો ક્યાં વાત જ કરવી..!
છતાં ગોવિંદ કાનમાં રૂ ભરાવીને પણ ભણતો અને આખો દિવસ ગણિતના દાખલા ગણ્યા કરતો. રાત્રે જ્યારે કારખાનાનો અવાજ બંધ થઈ જતો ત્યારે તે દીવા કે મીણબત્તીના અજવાળે બીજા વિષયો વાંચતો. કારણ કે તે વિસ્તારમાં માંડ બાર કલાક લાઈટ રહેતી. બાર-તેર કલાકનો કાપ રહેતો.
બાળપણથી જ ભણવામાં હોંશિયાર ગોવિંદ આઠમાં ધોરણમાં આવ્યો ત્યારથી જ તેણે પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દીધેલું.
ગોવિંદના પિતા નારાયણ જયસવાલ આખો દિવસ હાથરીક્ષા ચલાવતા. કાને ઓછું સાંભળતા પિતાને દીકરા પાસે બહુ મોટી આશા હતી.
શરૂઆતથી જ સ્કૂલમાં ટોપર રહેલો ગોવિંદ સાયન્સના વિષયોમાં ખૂબ હોંશિયાર હોઈ લોકોએ તેને ધોરણ બાર પછી એન્જીયરીંગ કરવાની સલાહ આપી. ગોવિંદે પણ એકવાર તો એન્જિનિયરીંગ કરવાનું નક્કી કરેલું. પરંતુ કોલેજ એપ્લિકેશન ફોર્મની ફી 500 હતી, જેથી તેણે તે માંડી વાળી બનારસ હિન્દૂ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કર્યો.
ગ્રેજ્યુએટ થયા પછી ગોવિંદે વિચાર્યું કે એક તો મર્યાદિત સરકારી નોકરીઓ અને એમાં પણ ભ્રષ્ટાચાર, લાગવગ અને સગાવાદ. પોતાનો વારો તો ત્યાં નહિ જ આવે. ઉપરાંત તેની પાસે નહોતા પૈસા કે જેથી મૂડી રોકી તે નાનોમોટો ધંધો કે બિઝનેશ પણ શરૂ કરી શકે…!
તેની પાસે સિવિલ સર્વિસની તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એટલે ગોવિંદે દિલ્હી જઈ UPSC ની પરીક્ષાની તૈયારી કરવાનું વિચાર્યું અને તે બનારસથી દિલ્હી ચાલ્યો ગયો.


દીકરાના IAS બનવાના સપનાને સાકાર કરવા બાપે પોતાની જમીન 30,000/- રૂપિયામાં વેંચી નાખી. પરંતુ તે પૈસા પણ કેટલો સમય ચાલે..? પિતાએ મોકલાવેલા પૈસાના સહારે ગોવિંદ દિલ્હીમાં રહી UPSC ની તૈયારી શરૂ કરી. તે સતત અઢાર અઢાર કલાક સુધી વાંચતો. પૈસા બચાવવા તે ક્યારેક ભૂખ્યો પણ રહેતો.
દરમિયાન પિતાને પગમાં ઘાવ લાગવાથી રીક્ષા પણ નહોતા ચલાવી શકતા. તેથી રીક્ષા પણ વેચાઈ ગઈ. ગોવિંદની માતા નાનપણમાં જ મૃત્યુ પામી હતી. બે બહેનોએ જ જેમ બને તેમવધુ નેવધુ મદદ કરીને ગોવિંદને ભણવ્યો. પોતાના ભણતરનો ખર્ચ કાઢવા ગોવિંદ ગણિતના ટ્યુશન કરાવતો. આમ ગોવિંદને ભણાવવા કુટુંબે ખૂબ ભોગ આપ્યો. કારણ કે કુટુંબને આશા હતી કે ગોવિંદ ઉંચા હોદ્દા ઉપર પહોંચી તેના પરિવારને મદદરૂપ બનશે અને ગરીબીમાંથી ઉગારી લેશે.sj
આવા કપરા કસોટી કાળમાં ગોવિંદે જબરી મહેનત કરી પોતાની બધી જ તાકાત લગાવી દઈ 2006માં પ્રથમવાર UPSCની પરીક્ષા આપી. અને ગોવિંદની મહેનત જાણે કે રંગ લાવી. પ્રથમ પ્રયાસમાં જ તે સમગ્ર ભારતમાં 48માં ક્રમે UPSC ક્લિયર કરવામાં સફળ થયો. આજે ગોવિંદ દિલ્હીમાં જ IAS અધિકારી તરીકે ફરજ બજાવે છે.
રીઝલ્ટ આવ્યાના દશેક દિવસ સુધી ગોવિંદ અને તેના પિતા સુઈ ન શક્યા. શું થશે તેની ચિંતા તેમને ચેનથી ઊંઘવા નહોતી દેતી. અને રીઝલ્ટ આવ્યું તો આખો પરિવાર જાણે કે રોઈ પડ્યો. વૃદ્ધ અને અશક્ત પિતાની આંખોમાં પણ દીકરાની સફળતા જોઈ ખુશીના આંસુ આવ્યા. ગોવિંદ પોતાની સફળતાનો શ્રેય પિતા અને બહેનોને આપે છે. ખાસ તો એ મોટી બહેનને કે જેણે માતાના અવસાન પછી ગોવિંદને ભણાવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.


પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરી ગોવિંદ કહે છે કે, ‘જો એ સંઘર્ષના દિવસો ન હોત તો કદાચ તે અહીં સુધી ન પહોંચ્યો હોત. સંઘર્ષ જ સફળ થવાનો રસ્તો છે.’
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શક આપતા ગોવિંદ કહે છે કે,
“હું ગણિતમાં હોંશિયાર હોવા છતાં મેં UPSC ની પ્રિલીમ પાસ કર્યા પછી મેઇન્સ માટે ફિલોસોફી અને હિસ્ટ્રી વિષય પસંદ કર્યા. કારણ કે હું માનું છું કે કોઈપણ વિષય અઘરો નથી હોતો.
અંગ્રેજી વિષયની નબળાઈ એ કોઈ મોટો પ્રશ્ન નથી. માધ્યમ ગમે તે પસંદ કરી શકો. હું હિન્દી માધ્યમમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે છું. મેં પ્રથમ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું અને પછી હિન્દી ભાષા પરીક્ષાના માધ્યમ તરીકે પસંદ કરી. ભાષા કોઈ પ્રશ્ન છે જ નહીં. ભાષા ફક્ત માધ્યમ છે. ગોલ સુધી પહોંચવા ભાષા નહિ પણ તમારી મહેનત કામ આવતી હોય છે. પોતાની જાત ઉપર ભરોસો રાખો તો જિંદગીનો કોઈપણ જંગ તમે જીતી શકો છો.”


મિત્રો, ગોવિંદ જેવા અનેક વિદ્યાર્થીઓ IAS કે IPS બનવાના સપના જુએ છે. પરંતુ જે પોતાની જાત સાથે કમિટમેન્ટ કરે છે તે જ વિજય પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ કામમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો છે. આપ સૌ પણ ભરપૂર આત્મવિશ્વાસ કેળવી આપના ખુલ્લી આંખે જોયેલા સપનાઓને સાકાર કરો તેવી શુભેચ્છાઓ.

-ડૉ.સુનીલ જાદવ


શેર કરો