ગુજરાત દેશ અને દુનિયા

કેમ મેર દંપતિ એ લંડન નુ વૈભવશાળી જીવન છોડી પસંદ કર્યુ ગામડા નુ પરંપરાગત જીવન…

શેર કરો

ધારો કે તમે વિશ્વના સૌથી મોટા ગણાતા લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર એર હોસ્ટેસ તરીકે કામ કરતા હો અને લંડનની વૈભવી લાઈફ સ્ટાઈ જીવતા હો, પતિ સાથે સુખી હો અને અચાનક જ તમને કોઈક એ બધું છોડાવીને ભારતના અંતરિયાળ ગામડામાં રહેવાનું કહે અને ખેતી કે પશુપાલન વ્યવસાય સ્વીકારવા કહે તો તમે તૈયાર થાઓ ખરા…!!?

મને ખબર છે, મોટાભાગના લોકો એ વૈભવશાળી જીવન છોડવા તૈયાર ન જ થાય.

પણ મૂળ પોરબંદરના વતની અને લંડનમાં સેટલ(સ્થિર) થયેલા એક મેર દંપતીએ તે વૈભવ છોડી બતાવ્યો છે.

હા, હું વાત કરું છું રામદે ખૂંટી અને તેની પત્ની ભારતી ખૂંટીની. યુટ્યુબ ચેનલ પર જેના લાખો સબ્સ્ક્રાઇબર છે અને સોશિયલ મીડિયામાં જેણે ધૂમ મચાવી છે તે ખૂંટી દંપતીની આજે વાત કરવી છે.

પોરબંદર પાસેનું બેરણ ગામ. જ્યાં એક મેર દંપતી વાડીએ રહી પોતાના પરંપરાગત ખેતીનો વ્યવસાય કરે અને ખાઈ-પી ને લેર કરે. આ દંપતીને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એના પર એક દીકરો. રામદે તેનું નામ. ત્રણેય બહેનોના લગ્ન થઈ ગયા.

બે બહેનો તો લગ્ન કરી લંડન સ્થિર થઈ. ધોરણ-12માં નાપાસ થયેલ ભાઈ રામદેને પણ લંડન જવાની ઈચ્છા થઈ અને 2006માં તે પ્રથમવાર લંડન ગયો. ત્યાં નોકરી કરતા ભાઈને બન્ને બહેનોએ લગ્ન માટે બે-ત્રણ છોકરીઓ પણ બતાવી જોઈ, પણ રામદેનું મન ન માન્યું. બે વર્ષ રહી તે ભારત પરત ફર્યો.

હવે વાત કરીએ ભારતીની. પોરબંદર પાસેના બખલ્લા ગામમાં ઓડેદરા કુટુંબમાં જન્મેલી ભારતી દોઢેક વર્ષની ઉંમરથી જ તેના માસીને ત્યાં રહેવા લાગેલી. કારણ કે માસીને એક દીકરો જ હતો, દીકરી નહોતી.

તેથી મા અને માસી એ બન્ને બહેનોને નક્કી થયા મુજબ ભારતી દોઢેક વર્ષની ઉંમરથી જ જન્મ દેનાર માતા-પિતાને છોડી પાલક માતા-પિતા (માસી-માસા) પાસે રહેવા લાગી અને ઉછરીને મોટી થઈ.

ચાર ધોરણ બાદ ભારતી પાલક માતા-પિતા સાથે જામખંભાળિયા આવી ગઈ. જ્યાં ધોરણ-10 સુધી તેનો અભ્યાસ ચાલ્યો.

નાનપણથી ભારાડી સ્વભાવની ભારતીને છોકરાઓની ક્રિકેટ જેવી રમતો બહુ ગમતી. કિશોરાવસ્થામાં જ તે મોટરસાઇકલ ચલાવતા શીખી ગયેલી. શાળામાં તે રમત-ગમતમાં ખૂબ ભાગ લેતી. મોટા થઈ તેને પોલીસ કે આર્મીમાં જવાની ઈચ્છા હતી.

ભારતી દશેક વર્ષની હતી ત્યારે જ તે માતાજીના કળશ પ્રસંગે રામદેના ઘેર બેરણ ગામે આવેલી. ત્યારે તો તે બહુ ભોળી અને નિર્દોષ તથા માસૂમ હતી.

ત્યારબાદ ધોરણ-11,12નો અભ્યાસ કરવા ભારતી રાજકોટ આવી ગઈ. ત્યાં સોળ વર્ષની ઉંમરે મેર જ્ઞાતિના એક કાર્યક્રમમાં ભારતીએ પોતાનો પરિચય આપ્યો અને તે જ રીતે રામદેએ પણ પોતાનો પરિચય આપેલો. ત્યારે ભારતીને થયેલું કે મારા ગામ બાજુનો છોકરો પણ કંઈક સારું કરે છે.

ભારતી ધોરણ-12માં હતી ત્યારે હોસ્ટેલમાં એક દિવસ ઓચિંતા જ તેના પિતા રામદેની વાત લઈને આવ્યા. ભારતી માટે તો જાણે કે ભાવતું ‘તું ને વૈદે ચીંધ્યું. તે રામદેને ઓળખતી જ હતી એટલે તરત જ હા પાડી દીધી.

ઘનતેરસના દિવસે બંન્નેનો સંબંધ નક્કી થયો. 12 ફેબ્રુઆરી, 2009ના રોજ તેમની સગાઈ થઈ અને 10 ડિસેમ્બર,2009ના લગ્ન થયા.

આમ એકબીજાને પસંદ કરનારા ભારતી અને રામદેના જાણે કે લવ કમ એરેન્જ મેરેજ સંપન્ન થયા.

લગ્ન પહેલા જ ભારતીએ રાજકોટમાં ધોરણ બાર પછી એરપોર્ટ મેનેજમેન્ટ અને એરહોસ્ટેસનો કોર્ષ શરૂ કરેલો. જે લગ્ન બાદ પૂરો કર્યો.

ત્યારબાદ રામદે અને ભારતી સ્ટુડન્ટ વીઝા મેળવી લંડન ચાલ્યા ગયા. ત્યાં ભારતીએ ઇન્ટરનેશનલ ટુરિઝમ અને હોસ્પિટાલીટી વિષયમાં B.Sc. કર્યું. કોલેજ અભ્યાસ દરમિયાન ભારતી ત્યાં ક્રિકેટ પણ રમતી હતી. સાડા ત્રણ વર્ષે B.Sc. પૂરું કરી તે જ વિષયમાં તેણે માસ્ટર (M.Sc.)પણ શરૂ કર્યું.

આ સમય દરમિયાન જ રાજકોટમાં એરહોસ્ટેસનો કોર્ષ કરેલો હોઈ ભારતીએ બ્રિટિશ એરવેઝ સાથે એરહોસ્ટેસ માટે જરૂરી પ્રેક્ટીકલ સેફટી ટ્રેનીંગ લીધી. અને દુનિયાના સૌથી મોટા લંડનના હોથ્રો એરપોર્ટ ઉપર નોકરી પણ કરવા લાગી.

દરમિયાન રામદેને પણ લંડનમાં કામ મળી ગયું. ચાર વર્ષ તેણે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું. તેની દેખરેખ નીચે આઠ-દશ માણસો કામ કરતા. પછી તો કંપની તેને સ્ટાફ મેનેજર પણ બનાવવા માંગતી હતી. પરંતુ રામદેનો પ્લાન કૈક અલગ ન હતો.

આ સમય દરમિયાન જ રામદે અને ભારતીએ બેબી પ્લાન કર્યો અને એ રીતે લંડનમાં જ ઓમ નામના દીકરાનો જન્મ થયો.

લંડન આવ્યા એ પહલાં જ રામદે નક્કી કરી લીધેલું કે હું પરદેશ જઈશ તો ફક્ત પાંચ-સાત વર્ષ માટે જ જઈશ. ત્યારબાદ થોડુંઘણું કમાઈને ભારત પરત આવી જઈશ. કારણ કે અંગ્રેજોની આપણે દોઢસો વર્ષ તો ગુલામી કરી, વળી પાછી ત્યાં જઈને પણ ગુલામી જ કરવાની ને…! જે તેને મંજૂર નહોતું.

ઉપરાંત રામદે બરાબર સમજતો હતો કે માતા-પિતાનો તે એકમાત્ર આધાર છે. ત્રણે બહેનો તો સાસરે છે, સાઈઠ વર્ષ પછી વૃદ્ધ મા-બાપ માટે જે કાંઈ કરવાનું થાય તે પોતાને જ કરવાનું છે. અને દાદા-દાદીને પૌત્રનો પ્રેમ મળે તથા પૌત્રને દાદા-દાદી સાથે રહેવા મળે તે આશયથી રામદેએ ભારત પરત આવવાનું નક્કી કર્યું અને ભારતીએ પણ તેના નિર્ણયને સહર્ષ વધાવી લીધો.

આમ, રામદે અને ભારતી લંડનની હાઈફાઈલાઈફ સ્ટાઇલ છોડી ભારત પરત ફર્યા.

પરંતુ અહીં કરવું શું…? એ યક્ષ પ્રશ્ન હતો. નોકરી તો કરવી જ નહોતી. કારણ કે 8-10 કલાક કુટુંબથી અલગ રહેવું પડે તે આ દંપતીને પસંદ નહોતું. આ દંપતી દીર્ઘ દ્રષ્ટિવાળું અને સમજુ દંપતી હતું. જે કાંઈ કરવાનું થાય તે સાથે મળીને જ કરવું તેવું એ બન્નેએ નક્કી કરી લીધેલું.

અને રામદે-ભારતી એ પોતાના બાપ-દાદાનો પરંપરાગત ઘંઘો એટલે કે ખેતી કરવાનું નક્કી કર્યું. પણ ખેતીમાં આવક નિશ્ચિત ન હોય તેથી કાયમી આવક ઊભી કરવા આ દંપતીએ સાતેક ભેંસો ખરીદી પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકાર્યો. શરૂઆતમાં તો ભારતીને ગાય કે ભેંસના આચળ પકડતા પણ નહોતું આવડતું. માંડ ચાર-પાંચ મહિને તે ભેંસ દોહવાનું કામ શીખી. પણ યોગ્ય આયોજન કરી આધુનિક પધ્ધતિથી જૈવિક ખેતી અને પશુપાલન દ્વારા મહિને સિત્તેર પંચોતેર હજાર રૂપિયા જેવી સ્થિર આવક ઊભી કરવામાં આ દંપતી સફળ થયું.

લંડનની એરહોસ્ટેસને ગામડામાં ગાય દો’તી જોઈ લોકોને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક જ હતું. ફાકડું અંગ્રેજી બોલનારા આ દંપતીએ વૈભવી લાઈફ સ્ટાઇલ છોડી ગામડે વસવાટ કર્યો અને પશુપાલન વ્યવસાય સ્વીકાર્યો તે વાત ધીમેધીમે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. દેશ અને દુનિયાના પત્રકારો આ દંપતીના ઇન્ટરવ્યૂ લઈને પ્રકાશિત કરવા લાગી. છપાઓ પણ આ દંપતીના સમાચાર ફોટા સાથે છાપવા લાગ્યા.

ટૂંકમાં આ દંપતી ધીમેધીમે ફેમસ થઈ ગયું. લોકો તેમના જીવન અને લાઈફ સ્ટાઇલ વિશે જાણવા આતુર બન્યા.

આ સમયે જ ભારતીને એક યુટ્યુબ ચેનલ બનાવવાની ઈચ્છા થઈ. રામદેની સહમતી ભળી અને

‘લીવ વિલેજ લાઈફ વિથ ઓમ & ફેમિલી’

નામની એક You tube ચેનલ બનાવી તેમાં પોતાના રોજિંદા ગ્રામ્ય જીવનના વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું. બહુ થોડા સમયમાં જ આ ચેનલના લાખો સબ્સ્ક્રાઇબર થઈ ગયા. અને આ માધ્યમ દ્વારા પણ આ દંપતીએ સારી એવી આવક ઊભી કરી.

આ દંપતી અત્યારે એટલું પ્રસિદ્ધિ પામ્યું છે કે લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને માયાભાઈ આહીર તથા મોરારિબાપુ પણ આ દંપતીના ખોરડે રોટલા ખાઈ ચૂક્યા છે. દેશ- વિદેશથી લોકો સતત આ દંપતીની વાડીએ જઈ તેની મુલાકાતો લઈ રહ્યા છે.

આમ, લંડનની શાનદાર અને હાઈફાઈ લાઈફસ્ટાઇલ છોડી ગ્રામ્ય સંસ્કૃતિ અને પશુપાલન તથા ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારી મા-બાપ સાથે સાત્વિક જીવન જીવનાર રામદે અને ભારતી સમગ્ર માનવ સમાજને જાણે કે જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે. આ દંપતીએ સાબિત કરી દીધું છે કે ગામડામાં રહીને પણ વ્યક્તિ શાનદાર જીવન જીવી શકે છે અને ઘરડા મા-બાપની સેવા કરી તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે.

આ દંપતીની જીવન જીવવાની શૈલી અને તેમના ઉચ્ચ વિચારો અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

બારમુ નાપાસ રામદેના ઉચ્ચ વિચારો જુઓ:

-જાણીજોઈને કોઈનું ક્યારેય બૂરું ન ઇચ્છવું.

-સાચા દિલથી મહેનત કરો. સફળતા ચોક્કસ તમારા કદમ ચુમશે.

-પૈસાથી માણસને ક્યારેય સંતોષ નથી થતો. જેથી એ સમજવું જરૂરી છે કે આ પૈસા આપણે શેના માટે કમાઈએ છીએ..? અને જો જીવનની મજા માણવા આ પૈસા પાછળની દોટ હોય તો એ જીવનની મજા તો આપણે માણી શકતા નથી..! જીવન આખું તો પૈસા કમાવા પાછળ જ ખર્ચાઈ જાય છે. આ હાયહોય છોડી મર્યાદિત આવકમાં પણ જીવનને ઉત્તમોત્તમ કેવી રીતે જીવી જાણવું તે શીખવા જેવું છે.

-નોકરી એ એક પ્રકારનું બંધન છે. જે તમને પરિવારથી 8-10 કલાક દૂર રાખે છે. તેના કરતાં તો પરિવારના સૌ સાથે કામ કરી શકીએ એવો ધંધો જ કેમ ન કરીએ..!

-સૌથી અગત્યની વાત. માતા-પિતાની રીસ્પેક્ટ કરો. તેમને આદર-માન આપો. તેમને દુખી કરી આપણે ક્યારેય સુખી ન થઈ શકીએ.

તો આવી સિમ્પલ લાઈફ અને હાઈ થીંકિંગ ધરાવનાર આ દંપતી સમગ્ર માનવ જાતને જીવનનું મૂલ્ય સમજાવી રહ્યું છે.

  • ડોસુનીલજાદવ

શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *