ગુજરાત ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના રાજ્યભીષેક વખતે થયેલા ઠરાવો ભાગ -2

શેર કરો

•વિદ્યાર્થીઓ
આ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવાનું ઠરાવવામાં આવે છે. ( આઝાદી પહેલા પણ પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગર રાજ્યમાં મફત હતું. યાદ રહે આ બંધારણ ઘડાયું એના પહેલાની વાત છે.)
આ રાજ્યમાં એક હુન્નર ઉદ્યોગ શાળા ( ટેકનિકલ સ્કુલ ) શરુ કરવામાં આવશે.


આ રાજ્યમાં પુસ્તકોના પ્રચાર માટે એક લાખ રૂપિયા બક્ષિશ આપવામાં આવે છે. તે રકમ સદ્ધર લોનમાં રોકીને તેનું વ્યાજ કેળવણી ખાતા મારફત વપરાશે. ( ૧૯૩૧ માં એક લાખ રૂપિયા પુસ્તકાલયોના પ્રચાર માટે આપવા એ ખુબજ મોટી વાત છે. જયારે એક રૂપિયો ગાડા ના પૈડા જેવડો ગણાતો અને સોંઘવારીના એ દિવસોમાં પુસ્તકો માટે આવડી મોટી રકમ તો ભાવનગરના મહારાજા જ ફાળવી શકે એમાં બેમત નથી )
ભારતમાં અભ્યાસ કરવા માટે દર વરસે સાત હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

ભારત બહાર અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થી માટે એક લાખની બક્ષિશ આપવામાં આવે છે .આ રકમ સદ્ધર લોનમાં રોકીને તેના વ્યાજમાંથી આ મદદ કરવામાં આવશે . ( રજવાડા વખતમાં દેશ દેશાવર ભણવા જવા માટે પણ મહારાજા સાહેબ સ્કોલરશીપ આપતા હતા . વિદ્યાર્થીઓ માટે તેમનો કેટલો પ્રેમ છે એ આ બાબત પરથી જાણી શકાય છે )


• વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા
ગ્રંથકારોને ઉતેજન મળી રહે તે માટે પચાસ હજાર ની રકમ બક્ષિશ આપવામાં આવે છે.
ભાવનગર ગરાસીયા સમાજની સંસ્થાને દર વરસે એક હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે.
બોટાદ તથા કુંડલા કસ્બામાં મિડલ સ્કુલ છે ત્યાં હાઈસ્કુલ બાંધવામાં આવશે.
દક્ષિણામૂર્તિ ભવનમાં હાઈ સ્કુલ બાંધવાના ખર્ચ પેટે ૧૫૦૦૦ આપવામાં આવશે.
અભ્યાસલક્ષી કામગીરી: શાળાઆે
સ્કાઉટની સંસ્થાઓ માટે ૫૦૦૦ હજાર સાધનો ખરીદવા અને વાર્ષિક ૨૦૦૦ હજાર આપવામાં આવશે (રમત ગમત પ્રત્યે મહારાજા સાહેબનો અનન્ય લગાવ જોઈ શકાય છે.)
સનાતન હાઈસ્કુલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવા ૫૦૦૦ રૂપિયા અપાશે.
સંસ્કૃત પાઠશાળાઓ , મુસલમાન માટે મદ્રેસા , તથા બીજી જે લોકથી ચાલતી શાળાઓ હોય તેમને ૫૦૦૦ રૂપિયા આપવામાં આવશે.( સર્વ ધર્મ સમભાવ માટે આનાથી વિશેષ કયું ઉદાહરણ હોઈ શકે??? બધા જ ધર્મના લોકોને શિક્ષણ મળી રહે તે માટે મહારાજા સતત પ્રયત્નશીલ હતા).


ગામડાઓમાં બાળ ઉછેર સારી રીતે થાય , અંધ શ્રદ્ધા અને વહેમો દૂર થાય ,તેવી સામાજિક પ્રવૃતિઓ કરવા વાળા માટે એક લાખ રૂપિયાની બક્ષિશ આપવામાં આવે છે.( એક લાખ બાળ ઉછેર માટે અને એ પણ ૧૯૩૧ની સાલમાં..આવું તો ભાવેણા ના મહારાજા જ વિચારી શકે ).
કસબના દવાખાના છે તે ઉપરાંત ફેરણી ડોકટર ( પ્રવાસી ડોકટર !!) રાખવામાં આવશે અને તે માટે એક લાખ રૂપિયા બક્ષિશ આપવામાં આવશે.


ગૌશાળા માટે ૧૫૦૦૦ અને પાંજરાપોળ માટે ૫૦૦૦ આપવામાં આવશે .
કવિઓ તથા ચારણો માટે ૨૫૦૦૦ ઇનામો આપવા માટે આપવામાં આવશે.
પ્રાથમિક શાળાના શિક્ષકોના કુટુંબીજનો ને મદદ કરવા માટે ભંડોળમાં ૩૦૦૦ આપવામાં આવશે(આઝાદી પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોના કુટુંબીજનો માટે અલગ ફંડ હતું..
શિક્ષકો પ્રત્યેનો આદરભાવ અહી સ્પષ્ટ જોઈ શકાય છે)


• નિલમબાગ
બોમ્બે ચિલ્ડ્રન સોસાયટીને ૫૦૦ રૂપિયા બક્ષિશ આપવામાં આવે છે.
ભાવનગર રાજમાં જેનો પગાર પચીસ રૂપિયાથી ઓછો પગાર છે તેવા તમામ કર્મચારીઓને આ શુભ પ્રસંગે ઇનામ તરીકે એક માસનો વધારાનો પગાર આપવામાં આવશે.
સંવત ૧૯૮૭ વૈશાખ સુદ ૧ શનિવાર તા ૧૮ . ૪ .૩૧
(સહી ) કૃષ્ણકુમારસિંહજી ,
મહારાજા ભાવનગર સંસ્થાન . ભાવનગર ઉપરના તમામ ઠરાવો જોતા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક શિક્ષણ પ્રેમી ,સાહિત્ય પ્રેમી ,આરોગ્ય પ્રેમી અને ખેડૂતો માટે હિત ધરાવનાર એક કર્મઠ અને મહાન રાજવી હતા. ભાવનગર રાજ્ય માં સહુથી ઓછો કર અને સહુથી વધુ સુખ સગવડ હતી અને આને કારણે જ ભાવનગર એક સંસ્કાર નગરી કહેવાય છે. આવા મુઠ્ઠી ઊંચેરા અને ખરા અર્થમાં પ્રજાને રાજી રાખીને રાજ કરનાર કૃષ્ણકુમારસિંહજી ને શત શત વંદન!!
સંકલન :
અજીતસિંહ વાજા
ભાવવંદના ભાવનગરના
જય ભાવનગર


શેર કરો