ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગાદી પર બેઠા (રાજ્યાભિષેક હતો ) ત્યારે કરેલ ઠરાવો જણાવે છે કે મહારાજા કેટલા પ્રજાવત્સલ હતા.

શેર કરો

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી
ભાવનગર : રાજ્યાભિષેક
ભાવનગર સંસ્થાન
તા.૧૮/૦૪/૧૯૩૧ . શનિવાર
સંવત : ૧૯૮૭ વૈશાખ સુદ – ૧
એક વિરલ ઘટનાના આવો સૌ સાક્ષી બનીએ.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી વિધિવત બેઠાં અને નીચે મુજબનું પ્રવચન આપ્યું હતું.


“મુશ્કેલીઓ અને અનુભવ જ માણસને મનુષ્ય બનાવે છે. અને હાલના આગળ વધતાં જતા જમાનામાં એક દેશી રાજામાં જે ગુણો હોવા જોઈએ તેની ઉણપ હું આશા રાખું છું કે મારામાં સરકાર અને મારી પ્રજા નહિ જુએ. આ માટે અને મારા માટે અને રાજ્ય માટે કાળજી રાખનાર સરકારે એક એવા સજ્જનની પસંદગી કરી છે જેનું નામ છેલ્લા ૪૦ વરસથી આ રાજ્ય સાથે જોડાયેલ છે .હું સર પ્રભાશંકર પટ્ટણી વિષે કહું છું.”


“આજનો દિવસ મારી પ્રજા અને મિત્રો માટે આંનદનો છે. પણ મારા માટે તો નવી જંદગાનીમાં અને નવી જવાબદારીઓ દાખલ થવાનો દિવસ છે . આજે સત્તા હાથમાં લેવાની સાથે જવાબદારીઓ પણ હાથમાં લઉં છું . તે સાથે એમ પણ સમજુ છું કે રાજ્યનો સહીસલામત પાયો લોકોના સંતોષમાં નંખાઈ શકે અને એટલા માટે જે લોકો મારી સંભાળ નીચે છે તેની ઉન્નતીના સાધનો અને તેના સુખને વધારવું એને હું મારો ખાસ ધર્મ સમજીશ. એમની જરૂરિયાતો એ મારી ખાસ સંભાળની વસ્તુ થશે. તથા તેમનો સંતોષ અને સુખ એને હું મારી મહેનતનો બદલો સમજીશ”
સત્યાશી વરસ પહેલા એક લોકપ્રિય રાજવીએ ગાદી પર બેસતા કહ્યું હતું એ આજે પણ કેટલું પ્રસ્તુત છે. આજે પણ દરેક ચૂંટાતી સરકારના દરેક સભ્યોએ મહારાજશ્રી એ ઉપર જે વાત કહી છે તેનું આચરણ કરવા જેવું છે.

રાજ સત્તા ફક્ત એશ આરામ કે વૈભવશાળી જીવનનું પ્રતિક નથી બલકે રાજ સતા લોકોની સેવા માટે છે અને આમેય ભાવનગર ના તમામ રાજવીઓ બીજા રાજવીઓ કરતા અલગ જ તરી આવતા હતા.
તારીખ અઢારમી એપ્રિલ ને ઓગણીસસો એકત્રીસના રોજ મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગાદી પર બેઠા કે તરત જ એ દિવસે રાજ્યના હિતમાં કેટલાક ઠરાવો થયા હતા. એ વખતે ઠરાવ એટલે લોઢામાં લીટો!! ઠરાવ પ્રમાણે જ કામ થતું.સહેજ પણ બાંધછોડ નહિ.આજના કરવા ખાતર કરવામાં આવતા ઠરાવો ની આ વાત નથી!!
મહારાજ સાહેબના પ્રજા જોગ પ્રવચન પછી સર પ્રભાશંકરે રાજ્યનું સીલ નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ને સોંપતા કહ્યું હતું.


• નિલમબાગ
“આજે આ સીલ પેશ કરતાં જે બધું સંભાળવાની મારા પર હતી . તે બધું આપ નામદાર ને હું સુપરત કરું છું . સુવ્યવસ્થિત રીતે ચાલેલું રાજ્ય સોંપુ છું . ભક્ત અને સુખી પ્રજા સોંપુ છું . આને આપ નામદાર સાહેબ સાથેના આપના મિત્ર રાજ્યોના સ્નેહ ભરેલા સંબધને માત્ર અવિરત નહિ પણ હું આશા રાખું છું કે વધારે ઘટ્ટ થયેલો મિત્રાઈ ભરેલો સંબંધ સોંપુ છું. અને આપને અંત કરણ પૂર્વક આશીર્વાદ આપું છું. તથા ફતેહમંદ રાજ્યનીતી માટે અનેક શુભેચ્છાઓ દર્શાવું છું.” આટલું કહીને સર પ્રભાશંકર પટ્ટણીએ મહારાજા સાહેબને રાજ્યનું સીલ અર્પણ કર્યું. બાર તોપની સલામી આપવામાં આવી . ભાવનગરનું રાજ ગીત ગવાયું હતું.
અને પછી આ ખુશીની ઘડીએ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી એ પ્રજા અને ભાવનગર રાજ્ય માટે કેટલીક નવાજીશો કરી હતી એના કેટલાક ઠરાવ નીચે મુજબ છે


• જાવક નંબર એક ઠરાવ.
દરબારી ખાતેદાર ખેડૂતોને રાહત મળે તે ઉદ્દેશથી એવું ઠરાવવામાં આવે છે કે જે ખેડૂતો જાતે કે સાથી રાખી દરબારી ખાતેદાર તરીકે ખેડ કરતા હોય તેઓ પોતાની જમીન અને એ તે પાછળના ખોરડાનો કબજા હક બીજા ખેડૂતોને ગીરો , વેચાણ , કે બીજી રીતે આપી શકશે. ખરેખરા ખેડૂત વર્ગ સિવાયને આપી શકશે નહિ ( ભાવનગર રાજ્યના તમામ ખેડૂતોને આઝાદી પહેલા જ ખેતીના હકો મહારાજ સાહેબે આપી દીધા હતા , બાકીના રાજ્યોમાં વાવે તેની જમીન આઝાદી પછી મળી.. આવી દૂરંદેશી અને ખેડૂતલક્ષી નીતિ હતી મહારાજ સાહેબની)
• ખેડુત
વસુલાત ધારાના પ્રકરણ પાંચની કલમ ૧૪ અને પંદર મુજબ દરબારી ખાતાની જમીનમાં હાલ ખાતેદારોના સીધી લીટીના પુરુષ વંશના વારસોને તથા અમુક સંજોગોમાં તેની દીકરીઓને વારસા હક ગણવા ઠરાવવામાં આવે છે. ( વારસામાં દીકરીઓને પણ ભાગ આપવાની પ્રથા સહુ પ્રથમ મહારાજા સાહેબે શરુ કરી હતી. ભારતમાં હજુ બંધારણ પણ ઘડાયું નહોતું તે પહેલાની આ વાત છે.)
દીકરીઓ માટે નો વારસાઇ હક્ક
આ રાજ્યમાં શહેર ભાવનગર તથા મહાલોના કસબા સિવાયના બીજા ગામોમાં રવાનગી તથા આમદાની માપું લેવાય છે. તે હવે થી આજથી માફ કરવામાં આવે છે . ફક્ત હિન્દુસ્તાની સરકાર સાથેના કોલ કરાર મુજબ જે જકાત લેવાય છે તે જ ચાલુ રહેશે.
નિલમબાગ
આ સંસ્થાનના કારીગર તથા મજૂર વર્ગ પાસેથી ઉભડ તથા કસ્બા વેરો લેવાય છે તથા કુંભાર ચાકડો સાવજ વેરો તથા સુતર ચામડા બાબતના વેરાઓ આજથી બંધ કરવામાં આવે છે. ( સહુથી ઓછા વેરાઓ ભાવનગર રાજ્યમાં હતા. વેરા ઓછા એમ પ્રજા સુખી એમ ભાવનગરના મહારાજા સાહેબ માનતા હતા.)
રાજ્ય કુટુંબમાં શુભ પ્રસંગોએ દરબારી નોકર પાસેથી , દરબારી ગામોમાં છૂટી છવાઈ બારખલી જમીન ધારણ કરનાર પાસેથી , મહાજન પાસેથી , પટેલ મુખી પાસેથી તથા ખેડૂતો પાસેથી નજરાણાની રકમ હક્ક તરીકે લેવામાં આવતી હતી તે આ શુભ પ્રસંગથી માફ કરવામાં આવે છે.
નિલમબાગ
ભાયાત તથા મૂળ ગરાસીયાઓને તેમની જરૂરીયાતને પ્રસંગે કે દેવાનો ફડચો કરવા દરબારશ્રી થી લોન ધીરવામાં આવે છે તેનું વ્યાજ હાલ સાત ટકા છે તે આજથી છ ટકા કરવામાં આવે છે.
ભાયાતોના ગામમાં જ્યાં જ્યાં હાલ શાળાઓ છે તેનું ખર્ચ હાલ તેમની પાસેથી લેવામાં આવે છે તે હવે અડધું માફ કરવામાં આવે છે.
ખેડૂતો
આ સંસ્થાનના દરબારી ખેડૂતો પાસે જે લેણું હતું એ આજથી માફ કરવામાં આવેલ છે. અને બીજા ખેડૂતો કરજ મુક્ત થાય તેવો પ્રબન્ધ કરવામાં આવે છે . ખેડૂતોને જે કોઈ લેણિયાતને રકમ આપવાની હોય તે રકમ રાજ્ય ચાર ટકાના દરે આપશે. જે ગામડામાં ગ્રામ પંચાયત છે ત્યાં લોનનું વ્યાજ માફ કરવામાં આવેલ છે. ( ખેડૂતો માટે મહારાજ સાહેબ કેટલા ચિંતિત હતા તે જણાઈ આવે છે. મહારાજ સાહેબ પ્રથમ ખેડૂતલક્ષી મહારાજા હતા એ સાફ દેખાઈ આવે છે)

ભાગ – 1 સમાપ્ત

સંકલન – અજીતસિંહ (ભાવ વંદના )


શેર કરો