ગુજરાત દેશ અને દુનિયા

કોને ખબર હતી બંગડી વેચવા વાળા નો દીકરો બનશે કલેકટર

શેર કરો

મિત્રો, ગામડામાં બંગડીઓ વેચવા આવેલી કોઈ સ્ત્રીને અને તેની આંગળીએ વળગેલ બાળકને જુઓ તો તેને માન-સન્માન આપજો. કારણકે શું ખબર ભવિષ્યમાં તે કેવડો મોટો માણસ બની જાય..!!?

હા, આવું બન્યું છે. મહારાષ્ટ્રમાં બંગડી વેચવા જનારી એક સ્ત્રીનો દીકરો કે જે પોતાની માતા સાથે જઈ ‘ચૂડી લેલો…’ એવો સાદ પાડતો… એ છોકરો આજે કલેકટર બની ગયો છે.

મહારાષ્ટ્રના સોલપુર જિલ્લામાં આવેલ મહાગાવ નામના ગામમાં સાવ ગરીબ પરિવારમાં તા.30/04/1988ના રોજ જન્મેલા રમેશ ઉર્ફે રામુને ફક્ત દોઢ જ વર્ષની ઉંમરે પોલિયો થઇ ગયો.

પિતાની પંચરની દુકાન હોઈ ચાર જણાના પરિવારનું માંડ ભરણ-પોષાણ થતું. પિતાને લાંબા સમયથી દારૂની લત હોય તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા રમેશની માતા વિમલે ગામડામાં જઈ ચુડી(બંગડી)ઓ વેચવાનો ધંધો શરૂ કર્યો. અને એમ ઘરનું ગુજરાન ચલાવવા પ્રયત્ન કર્યો. નાનકડો રામુ પણ પોતાના મોટાભાઈની સાથે માની મદદ કરવા જતો અને ‘ચૂડી લેલો ચૂડી…!’ એવો સાદ પણ પાડતો.

ઘરનું ઘર ન હોઈ મા અને રમેશ તથા ભાઈ ઇન્દિરા આવાસ યોજનાથી બનેલા તેના કોઈ સગાના મકાનના એક રૂમમાં રહેતા હતા.

રમેશનો અભ્યાસ સરકારી શાળામાં થયો. તેને નાનપણથી જ સમજાઈ ગયેલું કે શિક્ષણ એ એક માત્ર રસ્તો છે અમારા ઉદ્ધારનો. અને તેણે તનતોડ મહેનત શરૂ કરી. ભણવાની સાથે પોતાનો ખર્ચ કાઢવા રમેશ પોસ્ટર બનાવતો અને લગ્નમાં પેન્ટિંગ કરવાનું કામ કરતો.

આગળના અભ્યાસની સગવડ પોતાના ગામમાં ન હોઈ રમેશે પોતાના કાકાને ત્યાં બરસી ગામમાં જઈ અભ્યાસ શરુ કર્યો

ઇ.સ.2005માં એ ધોરણ-12ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ તેના પિતાનું અવસાન થયું. પિતાની સ્મશાન યાત્રા માટે ઘરે જવા બસનું ભાડું સાત રૂપિયા હતું. પરંતુ રમેશ અપંગ હોઈ તેની ટીકીટ તો ફક્ત બે રૂપિયા જ હતી. છતાં આ બે રૂપિયા પણ ત્યારે તેની પાસે નહોતા..! જેમ તેમ કરી પડોશીઓ પાસેથી ઉછીના પૈસા લઈ તે પોતાના પિતાની અંતિમયાત્રામાં સામેલ થયો.

ત્યારબાદ તેણે ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપી અને 88.50 % જેવું ઉત્તમ રીઝલ્ટ આવ્યુ. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ રમેશે ડી.એડ. ડિપ્લોમા કરી પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી સ્વીકારી લીધી. દીકરાને સરકારી નોકરી મળી જતા માતા ખૂબ જ રાજી થઈ.

ડિપ્લોમા અભ્યાસ દરમિયાન જ રમેશે ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી યશવંતરાવ ચૌહાણ ઓપન યુનિવર્સિટી, નાસિકમાંથી 2010માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

2009માં પ્રાથમિક શાળામાં છ મહિના માંડ નોકરી કરી. કારણ કે શિક્ષકની નોકરીમાં તેનો જીવ નહોતો ચોટતો. ઘર-પરિવાર અને સગા સંબંધીઓની અનિચ્છા અને વિરોધ છતાં રમેશે એ નોકરીમાંથી રાજીનામું આપ્યું અને પૂના જઈ MPSC તથા UPSCની પરીક્ષા આપવા માટેની તૈયારી શરૂ કરી.

આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોઈ કોઈ કોચિંગ કલાસ જોઈન્ટ કરી તૈયારી કરવાનો તો સવાલ જ નહોતો. UPSCના પ્રથમ પ્રયાસ(2010)માં સફળતા ન મળી. પૈસાના અભાવે પૂના છોડી રમેશે સોલપુરમાં કોઈ સંબંધીના દીકરાના એક રૂમમાં રહી ત્યાં તૈયારી શરૂ કરી.

ઇ.સ.2010 પંચાયતની ચૂંટણીમાં તેની માતા હારી ગઈ. રમેશે પ્રતિજ્ઞા કરી કે હવે ઓફિસર બનીને જ આ ગામમાં પગ મુકીશ. અને તેણે ગામ છોડ્યું.

તનતોડ મહેનત કરી 2011માં UPSCની પરીક્ષા આપી. 12 મે 2012ના રોજ તેનું પરિણામ જાહેર થયું. જેમાં સમગ્ર ભારતમાં 287 રેન્ક સાથે રમેશે UPSC ક્લિયર કરી અને તે IAS બની 18 મહિના પછી પ્રતિજ્ઞા પુરી કરી પોતાના વતનમાં ગયો. UPSC ની સાથે જ તેણે MPSC ની પરીક્ષા પણ આપેલી, જેમાં તે ટોપર બન્યો.

આમ, એક અભણ અને ગરીબ મા-બાપનો દીકરો આપબળે આગળ આવ્યો અને કલેકટર બની ગયો.

આમ, અનેક અભાવો અને શારીરિક, આર્થિક તકલીફો છતાં આંસુ સારવા કે હાર માનવાને બદલે રમેશે સંઘર્ષ કર્યો અને પોતાનું નસીબ પોતાની જાતે લખ્યું.

પોતાની કપરી પરિસ્થિતિને કાખઘોડી બનવા દીધા વગર જ રમેશે એકએકથી ચડિયાતી પોતાની મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો અને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સંઘર્ષ કરનારા યુવાનો માટે એક ઉત્તમ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું.

ડૉ. સુનીલ જાદવ


શેર કરો