ગુજરાત ભાવનગર

ભાવનગરી ગાંઠીયા નો ઈતિહાસ અને આજે ફેમસ છે પુરા ભારત મા….

શેર કરો

ભાવનગર:

નરસીદાસ બાવાભાઈના મરીવાળા ગાંઠિયાથી લઈ
ગુજરાતની ગાંઠીયા નગરીના બિરૂદ સુધી

1920 માં ભાવનગરના ખારગેટ પાસેના એક ખૂણામાં બ્રહ્મક્ષત્રિય નરસીદાસ બાવાભાઈએ ગાંઠિયાની દુકાન શરૂ કરી. રેલવે સ્ટેશને જવા માટે ખારગેટ પાસેથી પસાર થવું પડે એટલે મુસાફરો આ દુકાન પાસેથી પસાર થાય. મુસાફરીમાં કશુંક કટકબટક કરવા જોઈશે એમ માની લોકો ગાંઠિયાના પેકેટ બંધાવતા જાય. મુસાફરીના સાધનોમાં ફક્ત રેલવે જ હતી એટલે મુસાફરોની સંખ્યા પણ ઘણી રહેતી. બહુ જલદીથી આ દુકાનના ગાંઠિયા લોકપ્રિય થઈ ગયા. મુસાફરો જેને ત્યાં જતા એમને પણ આ ગાંઠિયાનો સ્વાદ માણવા મળતો અને પછી એક રિવાજ થઈ ગયો કે કોઈને ત્યાં જઈયે તો નરસી બાવાના મરીવાળા ગાંઠિયા લેતા જવાંના. લોકોને આખું નામ બોલતા કષ્ટ પડતું એટલે અપભ્રંશ થઈને દુકાન નરસી બાવાના ગાંઠિયા તરીકે ઓળખાવા લાગી.

ભાવનગરમાં ખત્રી એટલે કે કાપડનું રંગાટી કામ કરતા લોકોની વસતિ ઘણી હતી અને છાટબાર, પડીયા, બોસમિયા, જગડ, મામતોરા અટકો ધરાવતા કુટુમ્બો હતા. નરસી બાવાની અટક છાટબાર હતી પણ મૂળ જ્ઞાતિ બ્રહ્મક્ષત્રિય હતી એટલે દુકાન ઉપર લખવામાં આવેલું, ‘બ્રહ્મક્ષત્રિય નરસીદાસ બાવાભાઈ’. મરીવાળા ગાંઠિયા બનાવીને નરસી બાવાએ ફરસાણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી હતી. ગાંઠિયા તો અનેક જાતના બને પણ મરીવાળા ગાંઠિયાની લહેજત અને સ્વાદ જુદા જ હોય છે.
ભાવનગરના સ્થાનિક લોકો તેને લાડથી અંગુઠીયા ગાંઠિયા પણ કહે છે.

કહેવાય છે કે 1860 પછીના વર્ષોથી ભાવનગરનો વિકાસ થવા લાગ્યો હતો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ધંધા રોજગાર માટે ભાવનગર આવતા થયા. 1900 ની સાલમાં નવા ઉધ્યોગો સ્થાપવાની શરૂઆત થઈ અને ભાવનગરની વસતિ વધતી ગઈ. ગામડાંઓમાંથી નાના નાના વ્યવસાયિકોને શહેરનું આકર્ષણ થતું ગયું હતું અને 1935 સુધીમાં તો ભાવનગર એક આગળ પડતું ઔધોગિક શહેર ગણાવા લાગ્યું હતું. ગ્રામ્ય પ્રદેશમાંથી આવેલા ઘણાં કંદોઈ અને સુખડીયા લોકોએ ફરસાણનો વ્યવસાય શહેરની માંગ મુજબ શરૂ કર્યો હતો. આ બધામાં લોકોને ગાંઠિયાનું આકર્ષણ વિશેષ રહેતું. કારણ ગરમ ગરમ મળે અને સાથે પપૈયાના છીણની ચટણી હોય.

નરસી બાવાના ગાંઠીયાએ વિશ્વફલક ઉપર ભાવનગરને મૂકી દીધું. લોકોની બદયાલેલી રુચી અને ખાનપાનના શોખથી ગાંઠિયાના વિવિધ પ્રકાર આ વેપારીઓએ શોધી કાઢ્યા છે. જીણા ગાંઠીયાથી શરૂઆત કરીને ધીમેધીમે, હાથે વણેલા ગાંઠિયા,પાપડી ગાંઠિયા,લસણીયા ગાંઠિયા, તીખા ગાંઠિયા,ટમટમ ગાંઠિયા, મસાલા ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, મેથી પાલક ગાંઠિયા, જીણા મોળા ગાંઠીયા તીખા જીણા ગાંઠિયા તીખા જાડા ગાંઠિયા, ફાફડા, મરી-મસાલાવાળા ગાંઠિયા, મરી અને લસણથી ભરપૂર ગાંઠિયા લીંબુ મસાલાના સ્વાદવાળા ગાંઠિયા જેવી અનેક વેરાયટીના ગાંઠીયા મળતા થઈ ગયા છે અને વિવિધ જાતના નમકીન સુધી પ્રગતિ થઈ ગઈ છે.

છાપાના કાગળમાં પડીકું બનાવીને અપાતા ગાંઠિયા ધીમે ધીમે કાગળની થેલી અને હવે તો પ્લાસ્ટિકની વેક્યુમ ટાઈટ થેલીમાં ઉપલબ્ધ થઈ ગયા છે જેથી લઈ જવામાં સરળતા રહે અને પેકિંગ આકર્ષક લાગે. હવાચુસ્ત મનોરમ્ય બોક્ષમાં પણ ગાંઠિયા મળે છે જે ભેટ આપવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

નરસીબાવાની સાથે જીવાભાઈ સુખડીયા, બાવચંદ હેમચંદ, લક્ષ્મી ગાંઠિયાવાળા, મનુભાઈ ગાંઠિયાવાળા અને ખત્રી ગાંઠિયાવાળા આજે ભાવનગરના નામાંકિત વ્યાપારીઓ ગણાય છે. નરસી બાવાએ ફક્ત ગાંઠિયાના ઉધ્યોગથી જ ભાવનગરના અન્ય ફરસાણના વ્યાપારીઓ માટે એક નવા વ્યવસાયના દ્વાર ખોલી આપ્યા હતા. ક્રમશ: ગાંઠિયાઓના વ્યવસાયીઓએ ફરસાણની અન્ય આઈટમોને પણ મહત્વ આપ્યું અને આજે લગભગ આ વેપારીઓ દરેક પ્રકારના ફરસાણ અને નમકીન બનાવતા થઈ ગયા છે. ઘણાં મીઠાઈ પણ બનાવતા થઈ ગયા છે. ખાસ કરીને જલેબી, ઘારી, ખાજલી, સાટા વગેરે.

ભાવનગરના ગાંઠિયા આજે તો ગુજરાતમાં વ્યાપી ગયા છે પણ ગુજરાતની બહાર પણ પ્રસિધ્ધિ પામ્યા છે. અમદાવાદ, રાજકોત, વડોદરા, સુરત જેવા શહેરોમાં ભાવનગરના રહેવાસીઓની મોટી સંખ્યામાં વસતિ છે. પરિણામે ભાવનગરના આ વેપારીઓએ પોતાની શાખાઓ ખોલી છે અથવા પોતાના બ્રાંડવાળા ગાંઠિયાનું વિવિધ એજંસીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. મુંબઈના દરેક પરામાં ગાંઠિયાવાળાઓની અસંખ્ય દુકાનો થઈ ગઈ છે. ગુજરાતો માટે સવારના નાસ્તામાં ગાંઠિયા એક આવશ્યક સાથીદાર બની ગયા છે. ઘણાની સવાર ફાફડા અને ચા સાથે થતી હોય છે. પણ અસલ ભાવનગરી ગાંઠિયા એટલે મરીવાળા ગાંઠિયા અને તેની સાથે બધાં ગાંઠિયા દોડવા લાગ્યા. મરીવાળા ગાંઠિયાનો દબદબો આજે પણ યથાવત છે.

ગાંઠિયા લોકપ્રિય રહેવાનું કારણ તે દરેક પ્રસંગોમા તમારી સાથે રહે છે. પહેલાના સમયમાં જ્ઞાતિના મેળાવડા, સોસાયટીની બેઠક, શાળા કોલેજોમાં વાર્ષિક દિવસની ઊજવણી, બાળકોના રિસેસમાં નાસ્તા તરીકે, શુભ પ્રસંગો કે તહેવારોના દિવસો સામાજીક સંસ્થાઓમાં, લગ્ન પ્રસંગે જાન આગમન સમયે અને છેલ્લે કોઈના અવસાનથી યોજવામાં આવતા બારમા-તેરમાની વિધિમાં ગાંઠિયાની હાજરી હોય જ. પ્રસંગોની પાર પાડવા ગુજરાતીઓ માટે ગાંઠિયા એક હાથવગુ અને અનિર્વાય અંગ બની ગયેલ.

એક જમાનામાં ભાવનગરમાં ગાંઠિયા બહુ ખવાતા હતા પરંતુ હવે એવું રહ્યું નથી કારણ કે સવારના નાસ્તામાં અનેક પ્રકારની ખાધ્ય આઈટમો મળતી થઈ ગઈ છે અને સમયના બદલાવ સાથે લોકોની પસંદગીમાં પણ પરિવર્તન આવ્યું છે પરંતુ મહાનગરો જેવા કે અમદાવાદ, સુરત અને મુંબઈમાં આજે પણ ગાંઠિયાનું આકર્ષણ બરકરાર છે. આજે પણ અમદાવાદ અને સુરતમાં ગાંઠિયાની લારીઓ ઉપર મોટ અક્ષરોમાં લખવામાં આવે છે કે ભાવનગરી ગાંઠિયા અહીયા મળશે. સૌરાષ્ટ્રમાં ફાફડાની સાથે અપાતી કઢી જેવી ચટણી, તળેલાં આખાં મરચાં, ડુંગળી ગાંઠિયાના પ્રમાણ કરતા પણ વધારે ખવાતી હોય છે. મોટા શહેરોમાં ફાફડાને ભાવનગરી ગાંઠિયા તરીકે જ ગણવામાં આવે છે.

એક જમાનામાં કહેવાતું કે ભાવનગરના હવા પાણી ગાંઠિયા બનાવવા માટે અનુકૂળ છે તેથી ભાવનગરના ગાંઠિયા વખણાય છે પણ ભાવનગરના જ ગાંઠિયાના એક પ્રતિષ્ઠિત વેપારીએ કહ્યું કે હવે દરેક ગામ અને શહેરમાં ભાવનગર જેવા જ ગાંઠિયા બનતા થઈ ગયા છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં તો ફાફડા એટલા મુલાયમ અને પોચા બનાવામાં આવે છે કે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય.

ભાવનગરના ગાંઠિયા ઉધ્યોગ સાથે સંકળાયેલ એક મિત્રએ જણાવ્યું કે અખબારોમાં આવે છે કે આ ગામમાં દરરોજ રૂ. 25 લાખના ગાંઠિયાનું વેચાણ થાય છે પણ તમે જરા કલ્પના કરી જુઓ કે ભાવનગરની વસતિ સાડા છ લાખની અને પાછું પેંન્શનરોનું ગામ એટલે લગભગ પાંસઠ કે સિત્તેર વર્ષની ઉમરથઈ હોય પાચન શક્તિ મંદ પડી ગઈ હોય તેવામાં સો ગ્રામ ગાંઠિયા કોણ ખાય. જે વેપારથાય છે તે સ્ટુડંટ્સ અને યુવાનોના ના કારણે થતો હોય અને આખું ગામ રોજ ગાંઠિયા ન ખાતું હોય એટલે ગાંઠિયાની સાથે અન્ય આઈટમો રાખીને વ્યવસાય ચલાવવો પડે.

પણ જે કંઈ હોય એ લોકો અચૂક કહેતા હોય છે કે, ‘હવે ભાવનગરથી આવો ત્યારે ભાવનગરી ગાંઠિયા લેતા આવજો !

રાજેશ ઘોઘારી:


શેર કરો