ગુજરાત ભાવનગર

ભાવનગર હિમ્મત ભાઈ નુ શાક પુરી – રાજેશ ઘોઘારી ની કલમે

શેર કરો

ભાવનગર : હિમ્મતના પૂરી શાક

(( સ્વાદિષ્ટ, લહેજતદાર અને તાજાપણાનો અહેસાસ))

પુરી શાક આમ તો આખા દેશનો ખોરાક છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરયાણા માં પ્રસંગોપાત વર્ષોથી સવારના નાસ્તામાં, બપોરના અને રાત્રીના ભોજનમાં પુરી શાક ખવાય છે. આજે તો સમગ્ર દેશમાં પુરી શાક નો ફેલાવો થઈ ગયો છે. દેશના કોઈપણ શહેર/ગામ/હોટેલ/રેલવે સ્ટેશન/એસ.ટી બસ ડેપો માં જશો તો પુરી શાક અચૂક મળવાના.

છેલ્લા પિસ્તાલીસ વરસથી ભાવનગરના ખાર ગેટ પાસે ધોબી ગલી તરીકે ઓળખાતી શેરીમાં હિમ્મતના પૂરી શાકથી પ્રખ્યાત અને લોકપ્રિય થયેલી રેસ્તુંરા કે હોટલ કે ડાઈનિંગ રૂમ કહો તેવું સ્થળ છે. આ જગ્યા નોકરીયાત વર્ગ, મધ્યમવર્ગીય લોકોમાં અને શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓની માનીતી છે. સાડાચાર દાયકા પહેલા આ ધોબી ગલીમાં હિમ્મતભાઈ સોનીએ એક લારીમાં પૂરી શાક વેચવાની શરૂઆત કરેલી. શાકનો સ્વાદ એવો ચટાકેદાર હતો કે તેની સાથે પૂરી પણ જીભને વળગી ગઈ. હોટલ કે રેસ્તુંરાં તેના નામથી ઓળખાતા હોય છે પણ અહીયાં તો હિમ્મતના પૂરી શાક એ રીતે જ ભાવનગરમાં આ સ્થળને લોકો જાણે છે. લારી હતી ત્યારે લોકો ઉભા ઉભા ખાતા હતા પણ પછી મોટી જગ્યા મળતા રેસ્તુંરા જેવી સગવડ ઉભી કરીને ટેબલ ખુરશી ગોઠ્વ્યા અને આજે લોકો બેઠાબેઠા પૂરા શાક્નો આસ્વાદ માણતા થઈ ગયા છે.

હિમ્મતને ત્યાં સવારે 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી અહીં ભોજન મળી શકે છે. મેનુ કદાચ કોઈપણ રેસ્તુંરા કરતા એકદમ નાનું છે જેમાં બહુ આઈટમોનો સમાવેષ કરવામાં આવ્યો નથી. અને મેનુની સૂચિ જુઓ તો એક ડીશ પૂરી શાક રૂ. 40, ઉંધીયું પૂરી રૂ 40, રોટલી શાક રૂ 40, પરોઠા શાક રૂ 40, થેપલા શાક રૂ 40, દાળભાત રૂ. 25, કઢીભાત રૂ. 25, કઢી ખીચડી રૂ. 25, શ્રીખંડ વાટકી રૂ. 15, રસ રૂ. 20, છાશ રૂ 5 અને દંહીં રૂ 5, પાપડ રૂ 5. ભોજનની ડીશ સાથે લસણની ચટણી હિમ્મતભાઈની ખાસ વરાયટી છે, આ બધી આઈટમો છુટક પણ મળી રહે. એક કિલો પૂરીના રૂ. 160 છે જેમાં 70 થી 75 પૂરી આવતી હોય છે. ગ્રાહક નિરાશ ન થવો જોઈએ એવું હિમ્મતભાઈ અને તેમના પુત્રો દીપક અને પીયુષ દ્રઢપણે માને છે. ભાવનગરના ઘણાં ઘરોમાં પ્રસંગો ઉપર હિમ્મતના પૂરી શાક હોય છે અને ઘણાં કહેતા હોય છે કે હિમ્મતને ત્યાંથી જ પૂરી શાક મંગાવજો.

હિમ્મતભાઈનું નામ ગાજતું થયું એમના બટાકનાના શાકના સ્વાદ અને તેમાં નાખવામાં આવતા ખાસ કિસ્મના મસાલાથી. આ મસાલા તેઓ જાતે જ તૈયાર કરે છે એટલે બારેમાસ તમને એકસરખો સ્વાદ આવે અને ભોજન રસિયાઓ આ એકધારા સ્વાદથી આકર્ષાઈને વારંવાર હિમ્મતભાઈને ત્યાં જીભને ચટકો કરાવવા જતા હોય છે. પુરી શાકનો ટેસ્ટ કરતા એવું તારણ કાઢ્યું કે ભાવનગરમાં શા માટે હિમ્મતના પુરી શાક શ્રેષ્ઠ છે ?. તેનું કારણ શીંગતેલમાં તળેલી પુરીઓ અને બટાકાના શાકમાં મીઠો લીમડો. કોથમરી, જીરું અને સાથે ડુંગળી, મરચાં અને લીલી અને લસણની ચટણી હતા. આ કોમ્બીનેશન એક જુદો જ સ્વાદ આપે છે. દરેક પુરીઓ એકસરખી સોનેરી રીતે તળેલી હોય છે. અને તેથી જ ઘરમાં શ્રીમતિજીની તબીયત સારી ન હોય કે ઘરના સ્વાદથી અબખે થઈને બહારનું ભોજન લેવાની તીવ્ર ઈચ્છા હોય તેમના માટે હિમ્મત તારણહાર બની જાય છે.

શાકમાં પણ બટાકાનું શાક ઉપરાંત સુકી ભાજી, સેવ ટમેટાનુ શાક, છોલે ચણા, ઊંધીયું જેવી બીજી આઈટમો ઉમેરાતી ગઈ. મિષ્ટાન વગર ક્યારેક ભોજન અધુરું લાગે તેનો પણ ઉપાય હિમ્મતભાઈએ શોધી કાઢ્યો અને ગ્રાહકની માગણી અનુસાર ભાવનગરનો સ્વાદિષ્ટ શ્રીખંડ પણ એક્સ્ટ્રા આઈટમ તરીકે આપવાનું શરૂ કર્યું. શ્રીખંડનો સ્વાદ હિમ્મતભાઈના બટાકાના સ્વાદ સાથે મળી જતો હતો એટલે ઉનાળામાં પૂરી શાક વધુ ખવાતા.

જેમને સાદું છતાં સ્વાદિષ્ટ જમવાનું ગમતું હોય તો અહીં ચોક્કસ જ જવું જોઈએ. અહીં કશું જ ફેન્સી નથી. ભોજન અહીં રોજ તાજું બને છે. હા, તેના મેનુમાં પણ કોઈ ફરક નથી. જમવાનું પીરસનારા મોટેભાગે વરસોથી અહીં કામ કરે છે. મેનુની જેમ અહીં પીરસવાની રીત પણ જૂની છે. સ્ટીલના વાસણો- ડિશ, વાડકી, ગ્લાસ અને ચમચા. ઘરમાં જ પીરસાતું હોય તેવો અહેસાસ થાય.
અહીં સૌથી વધુ આજુબાજુની બજારના વેપારીઓ, બેંકોમાં કામ કરતા કર્મચારીઓ અને ખરીદી માટે ગ્રામ્ય પ્રદેશોમાંથી આવતા લોકો હોય છે. બહારથી આવતા લોકો ઘરે કે ગામે જઈને હિમ્મતના પૂરી શાકના વખાણ કરતા હોય છે ત્યારે બીજી વાર ભાવનગર આવે ત્યારે તેની પત્નિ સાથે જ હિમ્મતના પૂરા શાક ખાવા ખાસ આવી હોય કે , ‘આ હિમ્મતભઈના પૂરી શાકમાં એવું તે શું છે કે હું વીસ વીસ વરસથી ખવરાવું છું તો ય કોઈ દાડો વખાણ કરતા નથી અને એકવાર શ્યેરમાં જઈને આવે છે અને હિમ્મતના પૂરી શાકની વાતું કરતાં ધરાતા નથી !

આ લખતા અને તમને વાંચતા જ મોંમા પાણી આવી જાય છે તો વાસ્તવમાં જ્યારે તમે હિમ્મતને ત્યાં પૂરી શાકનો આસ્વાદ માણતા હો તો કેવી દિલચસ્પ મનોસ્થિતિ સર્જાતી હશે? હિમ્મતને ત્યાં બપોરે અને રાત્રીના સમયે તમારે ટેબલ ખાલી થાય ત્યાં સુધી રાહ જોવી પડે. સ્વાદિષ્ટ, સરળ, સરસ ઓથેન્ટિક ભોજન કરવા માટે રાહ જોવાનું અનેખિસ્સાને ય પરવડે એવું છે. વધુ પસંદગી ન હોવાથી શું ખાવું તેનો નિર્ણય કરવાનું બિલકૂલ અઘરું નહી લાગે.

ભાવનગરમાં હિમ્મતના પુરી શાક્ને અવ્વલ નંબર આપવામાં આવ્યો છે. કારણ કે તેના પુરી શાકમાં જે સ્વાદ, લહેજત અને તાજગીપણું છે તે અન્ય કોઈના પૂરી શાકમાં નથી.

રાજેશ ઘોઘારી :


શેર કરો