ગુજરાત ભાવનગર

ભાવનગર : અહીં એક જમાનામાં ક્રોકરી અને સિરામિક ઉધ્યોગ પણ હતો

શેર કરો

1946નું વર્ષ. ભાવનગર પાસેના શિહોર ગામમાં ધ ખોડિયાર પોટરી વર્કસ નામનું ક્રોકરી એટલે કે કાચના કપરકાબી, પ્લેટ અને વાસણો અને સિરામિક એટલે કે વૉશબેઝીન, કોમોડ વગેરે ટોઈલેટ વપરાશી આઈટમો બનાવતું કારખાનું પરશુરામ બળવંતરાય ગણપૂલે નામના અગાઈથી જ ખ્યાતિ પામેલ ઉધ્યોગ સાહસિકે શરૂ કર્યું. શિહોરની આસપાસના ગ્રામ્ય પ્રદેશોમાં ક્રોકરી અને સિરામિક માટેની ચિનાઈ માટી ઉપલબ્ધ હતી અને તેમાં બહારથી આવેલ અન્ય પદાર્થો ભેળવી આકર્ષક રીતે બનેલા કાચના વાસણો અને ટોઈલેટ આઈટમોનું આ પોટરી વર્કસમાં બનતા.

એક તાજુબીની વાત એ છે કે ભારતમાં સૌપ્રથમ પોટરી ઉધ્યોગનો પાયો સૌરાષ્ટ્રમાં નખાયેલો અને તે મોરબીમાં. 1912 માં મોરબીના મહારાજાએ એક યુવાનને પોટરીકામ શીખવા માટે યુરોપ મોકલેલો. યુરોપથી પરત આવી અવનવી ડિઝાઈનના કાચના વાસણો બનાવાનું શરૂ કર્યુ પણ તેનું અકાળે અવસાન થતા કારખાનું બંધ પડી ગયું. તે સમયે ગુજરાતના પોટરી ઉધ્યોગના પિતામહ: પરશુરામ ગણપુલે માટીકામના વ્યવસાયમાં પરોવાયેલા હતા. પોટરીકામમાં પરશુરામે લાલ ઈંટો બનાવાથી શરૂઆત કરી હતી ત્યાર બાદ વિશાળ સ્ટીલ પ્લાંટની રિફ્રેકટરીઝ બનાવા સુધીની સિધ્ધિ હાંસલ કરી હતી. અંગ્રેજી પણ સ્વબળે શીખી ગયા હતા. અંગ્રેજ પ્રતિનિધી મંડળ સાથે ભૂલરહીત અંગ્રેજી ભાષામાં વાત કરતા.

મોરબીનું પોટરી કારખાનું બંધ પડી જતા મહારાજાએ તે પરશુરામને ચલાવવા માટે કહ્યું અને આર્થિક મદદ પણ કરી. મોરબી, સુરેંદ્રનગર અને ભાવનગરના વિસ્તારોમાં પોટરી ઉધ્યોગ માટેની વિશિષ્ટ માટી, સિલિકા, ફ્લોરસ્પાર, લાઈમસ્ટોન, જિપ્સમ, બોક્સાઈટ વગેરે વિપૂલ પ્રમાણમાં મળી આવતા હતા. પરશુરામે મોરબી, વાંકાનેર, થાન જેવા સ્થળોએ ચિનાઈ માટીના વાસણો અને ટોઈલેટ ઉપયોગી સેનેટરીવેર બનાવાના કારખાના શરૂ કર્યા અને ભારતભરમાં તેમનો માલ વેચાવા લાગ્યો.

આ અરસામાં ભાવનગર પાસે સિલિકા એટલે કે ભૂતડો અને ફ્લોરસ્પાર મળી આવતા પરશુરામે વિચાર્યું કે પોટરી ઉધ્યોગ માટે આ બે મહત્વના ખનીજો છે તેથી તેને ભાવનગરથી લાવવા એને બદલે ત્યાં જ એક કારખાનું ઉભું કરીએ તો વાહનખર્ચમાં બચત થાય અને ભાવનગર બંદર હોવાથી દરીયાઈ માર્ગે પણ ઉત્પાદનને મોક્લઈ શકાય. આ દરખાસ્ત ભાવનગરના મહારાજા પાસે આવી 1946 માં પરશુરામને ભાવનગર રાજ્યે પોટરી ઉધ્યોગ શરૂ કરવા કહ્યું અને શિહોર પાસે ખોડિયાર પોટરી વર્કસ શરૂ કર્યું.

આ કારખાનામાં રોજીંદા વપરાશની વસ્તુઓ કપ-રકાબી, બરણી, પ્લેટ ઉપરાંત ગટરની પાઈપ, બેઝીન, સિંક, ટબ, હોસ્પિટલમાં વપરાતા સિરામિક વાસણોનું ઉત્પાદન થતું. આ કારખાનામાં બનતા કપ-રકાબી અને અન્ય સિરામિક આઈટમો સમગ્ર ભારતમાં જતી. આફ્રિકાના દેશોમાં પણ શિહોરની આ બનાવટો ખુબ લોકપ્રિય થયેલી. અન્ય પોટરી કારખાનાઓના ઉત્પાદન કરતા આ શિહોરના કારખાનાના માલની કિમત ઓછી રહેતી હોવાથી હોટલો અને રેસ્તુંરામાં શિહોરની બનાવટના કપ-રકાબી ખુબ વપરાતા કારણ કે તૂટી-ફૂટી જાય તો પણ નૂકશાન બહુ જતું નહી.

શિહોરમાં ક્રોકરી સિરામિક, સેનિટરી વૅર્સનો ઉદ્યોગ વિકાસ પામ્યો તેનાં કેટલાંક કારણોમાં નિકાસ માટે ભાવનગર બંદર અને રેલવેની સગવડતા હતી. ટ્રાન્સપોર્ટેશન સહેલંુ અને ઓછા ખર્ચે થઈ શકતું હતું, માલસામાનના ઉત્પાદન માટે કાચો માલ સ્થાનિક સ્તરેથી મળી શકતો હતો. ઓછી મજૂરીએ કારીગરો ઉપલબ્ધ હતા. આ ઉપરાંત રોડ રસ્તે શિહોર અન્ય પ્રદેશો સાથે જોડાયેલું હતું. રોડ, રેલવે અને દરિયાઈ કાર્ગો હેન્ડલ કરી શકાય તેવી માળખાકીય સુવિધાને કારણે ઉદ્યોગને સતત પ્રોત્સાહન મળ્યું.

અને સમય જતા ભાવનગરની એક ફરીયાદ રહી છે કે અહીંયા ઉધ્યોગોનું જતન કરવામાં નથી આવતું તે આ ખોડિયાર પોટરી વર્કસના કિસ્સામાં પણ લાગું પડ્યું. આ કારખાનામાં ઘણાં ભાગીદારો હતા તેમાં નિર્ણયોની અનિર્ણયતાના અને લેબર પ્રોબ્લેમના કારણે કારખાનું બંધ થઈ ગયું. સામે નવા અનેક હરીફો પણ ઉતરી આવ્યા હતા. વર્ષ 2006 માં લોક સભામાં આ માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કારખાનું બંધ થવાના કારણો શું છે ? પણ જવાબમાં કોઈ સ્પષ્ટ ઈશારો ન હતો અને કારખાનું ફડચામાં ગયેલ છે તેવી નોંધ હતી. રજિસ્ટ્રાર ઑવ કંપની પાસે પણ કોઈ વિગતો ઉપલબ્ધ નહ્તી અને કારખાનું બંધ પડ્યું ત્યારે તેના ડિરેકટર્સ કોણ હતા તે વિગતો પણ અપ્રાપ્ય હતી.

આમ એક જમાનામાં દેશના ખૂણેખૂણે અને ઘરઘરમાં ખોડિયાર પોટરીના કપરકાબી, બેઝીન, સિંક, કોમોડ જતા હતા તે સાવ અંધકારમાં ચાલ્યા ગયા.

ઉધ્યોગો બંધ કરવા બહુ આસાન છે કારણ કે કોઈ પણ કારણ આગળ ધરીને કે નાણાકિય ખેંચ દર્શાવીને એક તાળું જ મારવાનું હોય છે.

રાજેશ ઘોઘારી :


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *