ભાવનગર

ભાવનગર : બસ ગુલાબી સપના એ સપનાં જ રહયા- રાજેશ ઘોઘારી ની કલમે

શેર કરો

ભાવનગરમાં ઉત્સાહી અને ધગશવાળા મિત્રોએ એક ગૃપ બનાવ્યું છે અને તેમાં ભાવનગરની પડતી અને વિકાસના રસ્તા પર થયેલ પીછેહટ વિષે નવી નવી વિગતો આપતા રહે છે. વર્ષોથી ભાવનગરમાં જ સ્થાયી થયા હોય અને પોતાનું વતન હોય એટલે કાબુલીવાલાની જેમ દરેક ક્ષણે વતનની યાદ આવે કે કેમ આની અવગતિ થઈ રહી છે.

મિત્રો ખૂબ ઉંડો અભ્યાસ કરી તારણ કાઢે છે કે એક જમાનામાં સમગ્ર દેશ અને પરદેશમાં ધ્યાન ખેંચનારું ભાવનગર છેલ્લાં દશ વર્ષમાં વિકાસલક્ષી અભિગમથી ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં વિકાસકૂચમાં ઉણો ઉતર્યો છે તે હકીકત સ્વીકારવી રહી. . મિત્રોનો ભાવનગર પ્રેમ સખેદ ઉભરાતો રહે છે કે ગમે તેમ પણ આપણું ગામ તો ખરું પણ ઘણાં લોકો નથી સમજતા અને ગામ ત્યાં ને ત્યાં રહે છે.


આજે ગુજરાતનો વિકાસ ભલે વાઈબ્રન્ટ હોય પણ ભાવનગરનો વિકાસ થંભી ગયો હોય તે સ્વીકારવું રહ્યું. આ કારણે છેલ્લાં એક દશકામાં અસંખ્ય પરિવારોએ સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ તરફ સ્થળાંતર કરી પોતાનો માર્ગ બદલ્યો છે. જેમ દેશમાં બિહાર, મધ્યપ્રદેશ કે ઉત્તરપ્રદેશમાંથી રહેવાસીઓ પોતાનું મૂળ ગામ કે શહેર છોડી વિકસિત રાજ્યો ભણી નોંધપાત્ર સંખ્યામાં જાય છે એ જ રીતે ભાવનગરમાંથી લોકો બીજા પ્રદેશમાં જાય છે.


છેલ્લાં બે દશકાથી વિકાસના નામે ફકત જાહેરાતો સિવાય કોઈ અસરકારક કાર્ય થયું ન હોવાથી રોજગારીની તકો સિમિત બની ગઈ છે, અન્ય શહેરોની તુલનામાં વેતનમાં પાછળ છે, મનોરંજનના સાધનો ઓછા છે. આંતર માળખાગત સુવિધાઓ પણ વિકસી નથી એટલે મૂળ ભાવનગરના શહેરીજનોની હવેની પેઢી પોતાના લક્ષ્યાંક સિદ્ધ કરવા, મહત્વાકાંક્ષા પાર પાડવા અને કારકિર્દી ઘડવા ભાવનગર છોડી અન્યત્ર સ્થળાંતર કર્યું છે. આ જ મુખ્ય કારણ છે કે છેલ્લાં એક દશકામાં ભાવનગર જિલ્લામાં વસ્તી વૃદ્ધિ દર ૧૬.૫૩ ટકા રહ્યો છે તેની સામે સુરત, અમદાવાદ, રાજ્કોટ અને વડોદરાનો વૃધ્ધિ દર અનેકગણો વધારે છે.


ભાવનગર ૨૧મી સદીના આંતર માળખાગત સવાઁગી વિકાસ સાથે તાલ મેળવવામાં ઘણું પાછળ રહી ગયું છે. રાજ્યના અન્ય મહાનગરોમાં ફ્લાય ઓવર અને મોલની સંસ્કૃતિ સારા પ્રમાણમાં વિકસી છે જ્યારે ભાવનગર મહાનગર હોવા છતાં એકપણ ફ્લાય ઓવર નથી. સામાન્ય રસ્તાઓના પણ ઠેકાણા નથી. મનોરંજનના પાર્ક તેમજ સાધનો પણ ઓછા છે. ભાવનગર શહેરમાં માથાદીઠ બેન્ક ધિરાણ પણ દેશના અન્ય શહેરોની તુલનામાં સાવ નગણ્ય છે.

સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં માનવ વિકાસ આંકમાં ભાવનગરનો છેક છઠો નંબર હતો. તે દર્શાવે છે કે, ઓવરઓલ ડેવલપમેન્ટમાં ભાવનગર પાછળ રહી ગયું છે. આજથી એક દશકા પૂર્વે ભાવનગર શહેરની વસ્તી ૫.૧૦ લાખ જેટલી હતી તે હવે વધીને સાડા છ લાખ થશે તેવો નિષ્ણાંતોનો અંદાજ હતો પણ નિસ્તેજ વિકાસ અને ઓછી તકોને લીધે છેલ્લાં એક દશકામાં દોઢ લાખને બદલે શહેરની વસ્તી માંડ ૮૦ હજાર જેવી વધી છે. સમાજશાસ્ત્રીઓ જણાવે છે કે છેલ્લાં એક દશકામાં અસંખ્ય પરિવારો વધુ સારી રોજગારી, કારકિર્દી ઘડતર જેવા કારણોસર અન્ય શહેરોમાં ચાલ્યા ગયા છે તેથી આ ઘટ આવી છે અને ભાવનગરની વિકાસકૂચ નિસ્તેજ થઈ ગઈ છે.
શહેરમાં મૂડી રોકાણને આકર્ષવામાં પણ ભાવનગર પાછળ રહી ગયું છે. ગુજરાત રિવ્યૂ ઓફ ઈકોનોમીના અહેવાલ પ્રમાણે રાજ્યમાં પાંચ વર્ષમાં નાના-મોટા એકમો આકાર લઈ રહ્યાં હતાં અને તેમાં અંદાજે ત્રણ લાખ કરોડનું મૂડીરોકાણ થવાનું હતું તેમાંથી અડધું મૂડી રોકાણ સૌરાષ્ટ્રમાં ૨૭ ટકા અને કચ્છમાં ૨૫ ટકા થવાનું હતું. તેમાં સૌરાષ્ટ્રનાં મૂડી રોકાણમાં મોટાભાગનું રોકાણ જામનગર અને અમરેલીના પીપાવાવમાં થતાં ભાવનગર જિલ્લામાં તો માત્ર એકાદ ટકો મૂડીરોકાણ થયું હતું.
ભાવનગરના પ્રોજેક્ટ જેની પ્રસંગોપાત વાત કરવામાં આવી હતી તે આગળ વધતા નથી. કલ્પસર પ્રોજેક્ટ, ઘોઘા દહેજ ફેરી સર્વિસનું બાળમરણ, જેમ્સ એન્ડ જવેલરી પાર્ક, આઈ.ટી. પાર્ક, સીએનેજી પોર્ટ હવામાં વિલીન થઈ ગયા છે અને પાછળ કોઈ અવશેષ પણ છોડી ગયા નથી.


ભાવનગર જિલ્લામાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ પછી હીરા અને પ્લાસ્ટીકનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. અલંગ શીપ બ્રેકીગ યાર્ડમાં મંદી તેજીના ઘોડાપુરને કારણે આ ઉદ્યોગ સતત આર્થિક રીતે અસલામતી અનુભવતો ઉદ્યોગ બની ગયો છે. અને સંખ્યાબંધ શીપબ્રેકરો મુખ્ય વ્યવસાયમાંથી શેર ટ્રેડિઁગના વ્યવસાય તરફ પણ વળ્યા છે. ભાવનગરનો હીરા ઉદ્યોગ બોટાદ, ગઢડા, અમરેલી, સુરત અને અમદાવાદ ખાતે સ્થળાંતર પામી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, વીજ ધાંધીયા અને મુંબઇ સાથેના લાંબા અંતરને કારણે અનેક કારખાનેદારો ભાવનગર છોડી સુરત સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઉદ્યોગમાં અત્યારે કાચા માલની અછત અને વધતા જતા વીજ ખર્ચને કારણે ઉદ્યોગ સ્થિર બની ગયો છે.
આમ ભાવનગરમાંથી રોજગારી માટે, ધંધા માટે, શિક્ષણ માટે લોકોનુ મોટાપાયે સ્થળાંતર થઇ રહ્યુ છે. જે રોકવા માટે જાગૃત બનવાની જરૂર છે. રોજગારીના વિપુલ સર્જન કરવામાં આ દશકામાં પણ નિષ્ફળ ગયેલુ ભાવનગરે પેન્શનર્સ પેરેડાઇઝનુ બિરૂદ જાળવી જ રાખ્યુ છે. અન્ય શહેરોના પ્રજાજનો ભાવનગર આવતા અચકાય છે. ઘણા તો માને છે કે સરકારી નોકરીમાં સજાના ભાગરૂપે કર્મચારી કે અધિકારીઓની ભાવનગરમાં બદલી કરવામાં આવે છે. આમ વસતિ વધારામાં છેલ્લા એક દાયકામાં રાજ્યના અન્ય મહાનગરની તુલનામાં ભાવનગરમાં તો ચિત્ર ઉંધુ થયુ છે.

અલંગની નજીક સ્પેશિઅલ ઈકોનોમિક ઝોન થવું જોઈએ. કપાસ-ડુંગળી કે જમરૂખ જેવા ઉત્પાદનો પ્રોસેસીંગ યુનિટ સુધી પહોંચે તેવા કોઈ પાયલોટ પ્રોજેક્ટ થતા નથી. ભાવનગરના લોકો શેરબજાર અને વ્યાજ પર વધુ નભે છે એવી એક લોકવાયકા ભાવનગરમાં પ્રચલિત છે. ઉદ્યોગો માટે ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ તો શહેરમાં આંતર માળખાકીય સુવિધાનો અભાવ, નવા ઉદ્યોગો આવતા નથી જેથી વ્હાઈટ કોલર જોબ યુવાનોને મળતો નથી. આ ઉપરાંત ભાવનગરમાં લોકોના પ્રશ્નો માટે રાજકિય સંપ નથી. ઔદ્યોગિક વિસ્તારો ગામડા જેવા છે.
અહીં વિકાસ માટે કોઈ ગંભીર જ નથી. હિરા ઉદ્યોગને છેલ્લા ૩૦ વર્ષથી રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ કોર્પોરેશન આપતુ નથી. જ્યારે સુરત જેવા શહેરમાં સલામતી અને પ્રાથમિક સુવિધા બન્ને મળે છે. શીપબ્રેકીગ ઉદ્યોગ જિલ્લાની આર્થિક કરોડરજજુ સમાન છે પણ સરકારી નિયમો અને તેજી-મંદીને કારણે અસલામતિ અનુભવે છે. યોજના અને ઈકોનોમિક રિવ્યુમાં આ નિસ્તેજતા વિષે ઘણું લખાયું છે.
અને હવે ભાવનગરનો વિકાસ ધોલેરા ના વિકાસ સાથે જોડાયેલો છે એવી હવા આવી છે. ધોલેરામાં જગ્યા નહી મળે ત્યારે ભાવનગરમાં જગ્યા મળશે એવું તજજ્ઞ મિત્રો કહી રહય છે. ચાલો રાહ જોઈએ !
રાજેશ ઘોઘારી :-


શેર કરો