ગુજરાત ભાવનગર

ભાવનગર : એ સમયમાં તબીબી ક્ષેત્રે પણ અગ્રેસર હતું – રાજેશ ઘોઘારી

શેર કરો

કોઈપણ રાજ્યકર્તા પોતાના ગૂણ અને બુધ્ધિથી પ્રજામાં લોકપ્ર્રિય થતા હોય છે. 1947માં દેશ સ્વતંત્ર થયો તે પહેલા વર્ષોથી આપણા દેશમાં રાજાઓનું શાસન હતું. તેઓ જ આપણા રાજ્યની રક્ષા અને પ્રજાના હિત માટે નિર્ણય લેતા હતાં. જેમાંથી ઘણા રાજાઓને તેમના ત્યાગ, બલિદાન, પ્રજા ઉપયોગી કાર્યો અને પોતાના રાજ્યને વિકાસશીલ બનાવા માટે જે મહેનત કરી હતી તેને માટે આજે પણ યાદ કરવામાં આવે છે. દેશના નાના મોટા રજવાડાઓમાં ભાવનગર જેવા પ્રગતિશીલ રાજ્યો બહુ ઓછા હતા. મહારાજા ભાવસિહજીએ ભાવનગર રાજ્યની રચના કરી તેના પછી અનેક રાજવીઓએ ભાવનગરની ગાદી સંભાળી અને આ દરેક રાજવી રાજ્યની પ્રગતિ, લોકસુખાકારી અને પ્રજાને ઉત્તમ સગવડો મળી રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા.

વર્ષ 1900 ની આસપાસ ભાવનગરમાં રાજ્ય સંચાલિત સર જશવંતસિંહજી દવાખાનું, જુવાનસિંહજી દવાખાનું, લાંસર્સ દવાખાનું, જેલ દવાખાનું, સ્ત્રીઓ માટે શ્રી ગોપીનાથજી મેટરનિટી હોસ્પિટલ, બેનબા દવાખાનું વગેરે હતા. 1880 પછીના સમયમાં ડૉ. બરજોરજીના નેજા હેઠળ સર તખ્તસિંહજી હોસ્પિટલની સ્થાપના થઈ હતી. વર્ષ 1940 ની આસપાસ આ હોસ્પિટલમાં 150 બેડ ધરાવતી સગવડો ઉભી થઈ ગઈ હતી. તે સમયે આખા કાઠિયાવાડમાં ભાવનગરની તબીબી સેવાઓની નોંધ લેવામાં આવતી. જરા કલ્પના કરો કે વર્ષ 1938-39 ના એક વર્ષના ગાળામાં કુલ 2,45,545 દર્દીઓએ આ બધાં દવાખાનામાં સારવાર લીધી હતી. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં જ ઈનડોર દર્દી તરીકે 3281 દર્દીઓએ દાખલ થઈ સારવાર કરાવી હતી. આ બધાં દવાખાનામાં દરેક પ્રકારના મળીને 24,400 ઓપરેશન કરવામાં આવ્યા હતા. હડકવા અને લેપ્રસીની સારવાર માટે સર ટી. હોસ્પિટલ મશહૂર હતી.

આ દવાખાનામાં બધા જ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવતી. તબીબી વિજ્ઞાન આજના જેવું સુસજ્જ ન હતું પણ તેમ છતાં જે તબીબો હતા તેમની પાસે તબીબી વિદ્યાની અસાધારણ જાણકારી અને અનુભવ હતા જેના લીધે સર ટી હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રમાં નામાંકિત અને લોકપ્રિય હતી.

હવે મૂળ વાત, ભાવનગર રાજ્યમાં તબીબી વિજ્ઞાનનો બહુ વિકાસ થયો હતો કારણ કે શહેરમાં પારસી લોકોની વસતિ ઘણી હતી અને તેમાંથી ઘણાએ ડોકટરીનો અભ્યાસ કરી ડીગ્રી લીધી હતી એવી જ રીતે પ્રશ્નોરા નાગર બ્રાહમણોમાં ઉચ્ચ શિક્ષણનો ફેલાવો હતો એટલે એ જ્ઞાતિમાંથી પણ ભાવનગરને નામાંકિત તબીબો મળ્યા. મહારાજાને હ્રદયરોગ સંબંધિત તબીબી નિદાનમાં બહુ રસ હતો. ભાવનગર દરેક પ્રકારના શિક્ષણ માટેનું કેંદ્ર હતું. શહેરની વસતિ પણ જાગૃત અને સમજદાર હતી પરિણામે લોકો પોતાની શરીર સુખાકારી પરત્વે વધું ધ્યાન આપતા હતા. ડોકટરની વાત જલદી સમજી જાય તેવા લોકો ડોકટરોને બહુ ગમે જે ભાવનગર પાસે સમજ હતી. સંજીવન પાઠકની પ્રશ્નોરા નાગર બ્રાહમણ ઉપરની લેખમાળામાં આ જ્ઞાતિના પ્રસિધ્ધ ડોકટરોના ઉલ્લેખ છે જે ભાવનગરનું તબીબી ક્ષેત્રમાં શું યોગદાન હતું તેના ઉપર પ્રકાશ પાડે છે.

જગતનો પ્રથમ મેડીકલ સ્ટોર 1823 માં અમેરિકના ન્યુ ઓર્લિયંસ શહ્રેરમાં ખુલ્યો હતો. મહાદેવલાલ સ્કોફ ભારતના પ્રથમ ફાર્માસિસ્ટ હતા. વર્ષ 1940માં પ્રથમવાર ભારતમાં ડ્રગ પોલીસી અમલમાં મૂકવામાં આવી. 1870 માં ભારતમાં કેમિસ્ટ એંડ ડ્રગિસ્ટ સંબંધિત પધ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મદ્રાસમાં કરવામાં આવી. 1900 થી 1920 વચ્ચે ભાવનગરમાં શરાફ બજારમાં ત્રણ કે ચાર મેડીકલ સ્ટોર્સમાં બ્રિટીશ દવા કંપનીઓની દવાનું વેચાણ થતું જેમાં મુખ્યત્વે તાવ, શરદી, ઝાડા, માથાનો દુખાવો, શરીરમાં કળતર જેવા દુખાવાની દવાઓ રહેતા. પણ પછી સમય બદલાયો.

1940 થી 1950 ની વચ્ચે મહારાજા મેડીકલ સ્ટોર્સ, હરિકૃષ્ણ મેડીકલ સ્ટોર્સ,વર્ધમાન મેડીકલ સ્ટોર્સ, હાટકેશ મેડીકલ સ્ટોર્સ જેવા વિવિધ પ્રકારની દવાઓનું વેચાણ કરતા સ્ટોર્સ અસ્તિત્વમાં આવ્યા. આનું કારણ એ હતું કે પહેલા ભારતમાં બ્રિટનથી દવાઓ આવતી પણ દેશમાં પ્રથમ દવાની કંપની બેંગાલ કેમિકલ્સની શરૂઆત થઈ જેણે એંટી બાયોટિક, એંટી ટ્યુબરક્યુલોસિસ, સ્પિરિટ જેવી તબીબી દવાનું ઉત્પાદન શરૂ કર્યું. 1907 માં ગુજરાતના વડોદરામાં એલેમ્બિક કેમિક્લ વર્કસમાં ટીંકચર આયોડીન, આલ્કોહોલ, કફ સિરપ, વિટામિંસ ટેબલેટ્સ. ટોનિક અને સલ્ફર દવાઓના ઉત્પાદનની શરૂઆત થઈ. આ કંપનીએ ભારતના દવા ઉધ્યોગની દિશા બદલી નાખી અને દેશના ખૂણે ખૂણે એલમ્બિકની દવાઓ મળતી થઈ ગઈ.

મુંબઈ રાજ્યના પ્રથમ ડ્રગ કંટ્રોલર શ્રી બી. વી પટેલે લંડનમાં પ્રશિક્ષિત થઈને દવાઓનું મહ્ત્વ સમજ્યા હતા તેમણે ઉદાર ધોરણે અનેક દરખાસ્તો અને સુચનો સરકાર સમક્ષ રજુ કરેલા. આની અસર એ થઈ કે વિદેશી કંપનીઓ ફાઈઝર, ગ્લેક્ષો, એવંટિસ, મર્ક,એમગેન, રોશ, નોવારટીસની દવાઓ સરળતાથી ઉપલબ્ધ થવા લાગી.

ભાવનગરના તત્કાલિન મહારાજા કૃષ્ણકુમારસિંહજીને તબીબી અને દવા વિજ્ઞાનમાં બહુ રસ હતો જેના લીધે ભાવનગરના મેડીકલ સ્ટોર્સમાં તે સમયની પ્રચલિત દવાઓ મળતી અને સૌરાષ્ટ્રના અન્ય ગામોમાં જતી.

રાજેશ ઘોઘારી


શેર કરો