ગુજરાત દેશ અને દુનિયા

કોને ખબર હતી ઢોર ચરાવનાર પોતના કઠોર પરિશ્રમ થી એક દિવસ બનશે IPS….જાણો અદ્ભુત સંઘર્ષ કહાની

શેર કરો

મિત્રો,
તમે એમ કહેતા હો કે સરકારી નોકરી નથી મળતી તો તમે રગેરગ ખોટા છો… કારણ કે આજે હું તમને તલાટીથી પ્રોફેસર સુધીની અનેક સરકારી નોકરીઓ જતી કરનાર એક સફળ માણસની વાત કરવાનો છું.

તમે એમ કહેતા હો કે તમને સારું શિક્ષણ પ્રાપ્ત નથી થયું કે તમને અંગ્રેજી નથી આવડતું એટલે હું આ કે તે ન કરી શક્યો, તો પણ હું તમને બહાનેબાજ કહું છું… કારણ કે આજે હું તમને સરકારી શાળામાં ભણેલા અને આપબળે તળીયેથી ટોચ ઉપર પહોંચેલા એક આશાસ્પદ યુવાનની વાત કરવા જઈ રહ્યો છું.

તમે એમ કહેતા હો કે મારા ઉપર ઘરની જવાબદારી હતી એટલે હું સફળ ન થઈ શક્યો… તો પણ હું તમને ખોટા કહીશ. કારણ કે આજે હું તમને એક એવી વ્યક્તિ વિશે વાત કરીશ કે જેણે પોતાની બધી જ કૌટુંબિક જવાબદાર નિષ્ઠાપૂર્વક નિભાવતા નિભાવતા સિદ્ધિઓના એક એક પગથિયા સર કર્યા છે.

તમે એમ કહેતા હો કે હું ગરીબ છું એટલે આ કે તે પદ ઉપર ન પહોંચી શકયો તો પણ તમે ખોટા છો… કારણ કે આજે હું તમને ઢોર ચરાવનાર અને ધોરણ આઠ સુધી પેન્ટ નહિ, પણ નાની ચડ્ડી પહેરી અભ્યાસ કરનાર, આર્થિક અભાવો વચ્ચે ઉછરેલા છતાં છેક UPSCની પરીક્ષામાં સફળ થવા સુધી પહોંચી જનાર એક સાવ સામાન્ય માણસની વાત કરવાનો છું.

હા, આજે હું તમને ગુજરાતના યંગ IPS પ્રેમસુખ ડેલુસરના જીવન સંઘર્ષની કેટલીક વાસ્તવિકતાઓથી અવગત કરાવવા જઈ રહ્યો છું.

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં નોખા તાલુકાનું રાસીસર નામે ગામ. આ ગામમાં 3 એપ્રિલ 1988ના રોજ ડેલુ પરિવારમાં એક છોકરાનો જન્મ થયો. પ્રેમસુખ તેનું નામ. આ નાનકડા ગામમાં કોઈને ખબર નહોતી કે આ છોકરો એક દિવસ એક પછી એક સફળતાનાં શિખરો સર કરી ટોચ ઉપર પહોંચી જશે.

પ્રેમસુખનું બાળપણ બહુ ગરીબીમાં વીત્યું. તેનું પ્રારંભિક શિક્ષણ પણ સરકારી શાળામાં જ થયું. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે પ્રેમસુખ આઠમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધી તેને ક્યારેય પેન્ટ પહેરવા નહોતું મળ્યું. ચડ્ડી પહેરીને જ તેણે બાળપણ વિતાવ્યું. પિતા સામાન્ય ગરીબ ખેડૂત હતા અને ઊંટ ગાડી ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા.

પ્રેમસુખ પોતાના બાળપણના સંઘર્ષ વિશે કહે છે કે,

“હું ગામડામાં રહી ખેતમજૂરી કરતો, ઢોર ચરાવવા જતો, ખેતરના ઊભા પાકની રખેવાળી કરવા જતો. આ બધા જ કામ દરમિયાન મને જયારે પણ સમય મળતો ત્યારે હું વાંચવા બેસી જતો.

મને ખબર હતી કે મારી પાસે ગુમાવવા જેવું તો કશું જ નથી. તળીયે તો હતો જ. તેથી ધૂળમાંથી ઉઠીને આભને કેમ આંબવું એનો જ વિચાર કર્યા કરતો..! મને ખબર હતી કે મારા અને મારા પરિવારના ઉદ્ધાર માટેનો એક જ રસ્તો છે, અને તે છે શિક્ષણ.

મારા આખા ખાનદાનમાં કોઈ ક્યારેય ભણ્યું નહોતું. મા-બાપ અને મોટી બહેન અભણ હતા. છઠ્ઠા ધોરણ પછી મેં અંગ્રેજીનો અભ્યાસ શરુ કર્યો. મારી પાસે સુવિધાઓ નહોતી પણ સપનાઓ જોવા ઉપર ક્યાં કોઈનો પ્રતિબંધ હોય છે..!

મેં પણ નાનપણથી જ મોટા માણસ બનવાના સપના જોયા. હવે તો મારે ફક્ત મારા એ સપના સાકાર કરવા જ પ્રયત્ન કરવાનો હતો.”

દરમિયાન પ્રેમસુખના મોટાભાઈને રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી ગઈ. ઘરમાં થોડી આવક શરૂ થઈ. પરંતુ એક સામાન્ય કોન્સ્ટેબલના પગારથી આખા ઘરનું તો કેમ પૂરું થાય..? પ્રેમસુખે નાનપણથી જ મોટા અધિકારી બનવાનું સપનું જોયેલું. એ સાકાર કરવા તેણે તનતોડ મહેનત શરૂ કરી. 11,12માં સાયન્સ રાખ્યું અને સારું પરિણામ પણ મેળવ્યું.

હવે આપણે જોઈએ પ્રેમસુખનો તળિયેથી ટોચ ઉપર પહોંચ્યાનો પ્રગતિ ગ્રાફ.

ચાર ભાઈ-બહેનમાં સૌથી નાના પ્રેમસુખે ઇતિહાસ વિષયમાં એમ.એ. પૂરું કર્યું અને ગોલ્ડ મેડલ મેળવ્યો. તરત જ તેને તલાટી તરીકે બીકાનેરમાં પ્રથમ સરકારી નોકરી મળી. ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા બે વર્ષ સુધી તેણે તલાટીની નોકરી કરી. પછી થયું કે હું તલાટીની નોકરી કરવા નથી સર્જાયો.

અને તેણે તલાટીની નોકરીની સાથેસાથે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ શરૂ કરી. ગ્રામસેવકની નોકરીમાં સમગ્ર રાજસ્થાનમાં તેનો બીજો રેન્ક આવ્યો. પરંતુ પ્રેમસુખે ગ્રામસેવકની નોકરી ન સ્વીકારી.

કારણ કે એ સમય દરમિયાન જ આસિસ્ટન્ટ જેલરની પરીક્ષામાં તેમણે સમગ્ર રાજસ્થાનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એ સમય દરમિયાન વચ્ચેના ગાળામાં પ્રેમસુખે બી.એડ. પણ પૂરું કર્યું હતું.

આસિસ્ટન્ટ જેલર તરીકે હાજર થાય તે પહેલાં જ તેમની રાજસ્થાન પોલીસ વિભાગમાં સબ ઇન્સપેક્ટર તરીકે પસંદગી થઈ.

પ્રેમસુખ ડેલુએ સબ ઇન્સ્પેક્ટર તરીકેની નોકરી પણ જોઈન ન કરી. કારણ કે એ સમય દરમિયાન જ તેમની પસંદગી સ્કૂલમાં શિક્ષક તરીકે થઈ ગઈ હતી. જેથી તેણે પોલીસ વિભાગની જગ્યાએ શિક્ષણ વિભાગની નોકરી પસંદ કરી.

ત્યારબાદ તેમણે Net JRF પાસ કરેલ હોઈ કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી પણ મળી ગઈ. પ્રાધ્યાપકની નોકરી કરતા કરતા તેમણે મહેનત સતત ચાલુ રાખી. કારણ કે તેમનો ગોલ UPSC ક્લિયર કરવાનો હતો. પછી તો રાજસ્થાન પ્રશાસનિક સેવામાં પસંદગી પામી તેઓ મામલતદાર બન્યા.

મામલતદાર બન્યા પછી પણ UPSC ક્લિયર કરવાનો ગોલ પૂરો નહોતો થયો. તેથી મહેનત સતત ચાલુ રાખી. પ્રથમ પ્રયત્નમાં સફળતા ન મળી. 2015માં બીજા પ્રયત્નમાં હિન્દી વિષય સાથે પ્રેમસુખ ડેલુએ UPSC પરીક્ષા આપી. 2016માં તેનું રીઝલ્ટ આવ્યું અને સમગ્ર ભારતમાં 170 રેન્ક સાથે UPSC ક્રેક કરી IPS બનવાનું પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું.

SVPNPA હૈદરાબાદ ખાતે ટ્રેનીંગ પુરી કર્યા બાદ પ્રેમસુખસરને ગુજરાત કેડર મળી. સાબરકાંઠામાં પ્રોબેસન ગાળો વિતાવ્યા બાદ અમરેલીમાં ASP તરીકે તેમને રેગ્યુલર પોસ્ટીંગ મળ્યું. લોકડાઉનના ગાળામાં અમરેલી નગરજનોએ તેમની કામગીરીની ખૂબ સરાહના કરી.

હાલમાં જ 5મી જુલાઈના રોજ તેમને ASPમાંથી SPનું પ્રમોશન મળ્યું છે. આ તકે ભાવનગર રેન્જ IG અશોકકુમાર યાદવ અને અમરેલી SP નિર્લિપ્ત રાયે બેઝ પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. હાલ તેઓ કમાન્ડન્ટ ગૃપ 21 SRP તરીકે ફરજ ઉપર છે.

આમ, છ વર્ષના ગાળામાં અનેક નોકરીઓ મળવા છતાં પોતાના ગોલથી ચલિત કે વિચલિત થયા વગર પ્રેમસુખ ડેલુસરે મહેનત ચાલુ જ રાખી અને અંતે તેઓ IPS બની ધારેલું પરિણામ પ્રાપ્ત કરીને જ રહ્યા.

પ્રેમસુખ ડેલુસરે એ સાબિત કરી બતાવ્યું કે માણસ જિંદગીમાં અનેક મુસીબતોનો સામનો કરતો કરતો એક દિવસ સફળતા મેળવી જ લે છે. મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો ગમે તેટલો કઠિન કેમ ન હોય… મજબૂત ઇચ્છાશક્તિ અને ભરપૂર આત્મવિશ્વાસ હોય તો સફળતા મળીને જ રહે છે. કઠોર પરિશ્રમના જોરે જ ડેલુસર છ વર્ષના સમયગાળામાં જ તલાટીમાંથી પોલીસ અધિક્ષક બની શક્યા છે.

ડો.સુનીલ જાદવ


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *